આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

તુલિકાબહેનને હવે આરામ, બોલવાનો વારો હવે અમારો!

તેમણે અત્યાર સુધી ઘણું-બધું સંભળાવ્યું, સાંભળીને 'આનંદ' પણ થયો અને દુઃખ પણ, છોડો એ તો બીજી વાત છે. મારે તો અહીં કઇંક બીજી વાત કરવી છે. આ તસવીર જુઓ, આ અમદાવાદમાં નિર્માણ પામી રહેલા બીઆરટીએસ પ્રોજેક્ટનું એક બસ સ્ટેન્ડ છે.

તમને જાણીને આનંદ થશે, કે એક સમયે (કઇંક છ એક વર્ષ..) આ વિસ્તારમાં માત્ર ખેતરો જ જોવા મળતા. છેલ્લા 10 વર્ષમાં અહીં, જાણે આખું દ્રશ્ય જ બદલાઈ ગયું છે બોલો..

આ બીઆરટીએસનું બસ સ્ટેન્ડ જોઈને મારાથી રહેવાયું નહીં તો હું મારી લાગણીઓ અહીં વ્યક્ત કરું છું. તમે બસ સ્ટેન્ડની અંદર લાઇટિંગને પણ ધ્યાનમાં લેજો. કેમ કે તેમાં પણ એલઈડી લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીજળી બચાવવા માટે. તમને તેની ડિવાઈડર દેખાય છે? દેખાઈને? તેમાં લીલો અને પીળો, એમ બે રંગ કરવામાં આવ્યા છે.

આખા અમદાવાદમાં આ રીતનાં ઘણાં બસ સ્ટેન્ડ છે અને ડિવાઈડર્સ પણ. કેટલા છે એની વાત પછી કરીશું. પણ આ બધું જ કામ, માણસોએ કરેલું છે. માણસો એટલે કહીં દઉ, તે સામાન્ય માણસ, જેમને તમે આમ આદમી કહો છો. તેમને આ કામ કરવા સામે વળતર મળે છે. (વળતર વગર આ જમાનામાં કામ પણ કોણ કરે, કદાચ તમે પણ ન કરો), તો તમે એમ કહો છો કે ગુજરાતમાં ક્યાંય રોજગાર નથી? તમે કહો છો 'વિકાસ' નથી? ખોટું બોલીને પણ તમે ખરું બતાવતા નથી. ધંધુકાના ભાજપના પૂર્વ ઉમેદવાર ભરત પંડ્યા, એક ટીવી કાર્યક્રમમાં બોલેલા.. કે, "તમે વાત ગુજરાતનાં બાળકનાં કુપોષણની કરો છો, અને તે બાળક કોઈંક બીજા રાજ્યનું બતાવો છો.." આ તે વળી કેવો ન્યાય?

ચાલો ઉત્સવની વાત કરીએ..
મને એમ કહો.. તમે થિએટરમાં ફિલ્મ જોવા તો જતા જ હશો? ખરું ને? હવે મને એમ કહો કે ઘરે ટીવીમાં ડીવીડી પ્લેયર દ્વારા પણ તમે ફિલ્મ તો જોઈ જ શકો છો.. તો ફિલ્મ જોવા થિએટરમાં શા માટે જવાનું? 40 રૂપિયામાં વાત પતી જાય, તેમ છતાં પરિવાર સાથે થિએટરમાં જઈને આપણે 500 થી 600 રૂપિયા રાજી-ખુશીથી ખર્ચ કરીએ છીએ.. શા માટે? કેમ કે જેવું મનોરંજન તેમાં મળે છે, ત્યાં જઈને મળે છે, તેવું મનોરંજન ટીવીમાં, ઘરે જોઈ લેવામાં નથી મળતું. વાત અહીં મનોરંજનની છે. વિકાસની વ્યાખ્યામાં મનોરંજન પણ આવી જ ગયું ને?

તો જો ગુજરાતમાં, ગુજરાતની પ્રજાના પૈસૈ, ગુજરાતની પ્રજા માટે ઉત્સવો ઉજવાય, તો એમાં ખોટું શું છે? ગરબા એ ગુજરાતની ઓળખ છે.. વાઇબ્રન્ટ ગુજરાતથી, ગુજરાતનાં ગરબા અને લોક સંસ્કૃતિ સમગ્ર ભારત સહીત વિદેશોમાં પણ ઓળખાતા થયા છે.

પતંગોત્સવને લઈલો, (ગુજરાતમાં ઉતરાયણનો ભારે શોખ હો.. તમને તો ખબર જ હશે) એ પતંગોત્સવ અહીં ઉજવાતો થયો.. હવે એ જોઈને આનંદ થાય છે કે વિદેશોથી પણ લોકો અહીં ભાગ લેવા આવે છે. પતંગ ઉડાડવા માટે છેક દુર-દુર વિદેશોમાંથી ગુજરાતમાં જ કેમ આવે છે? ખરું કહેવાય..

વાઇબ્રન્ટ ગરબા મહોત્સવમાં બધા જ લોકો એક જગ્યાએ મળીને ગરબા ગાતા જોવા મળે છે બોલો, એકબીજાને ઓળખતા હોય નહીં, તો પણ એક મંચ હેઠળ 'ભાઈ-ભાઈ' અને 'ભલા મોરી રામા' થતું હોય છે. ગુજરાતના આમ આદમીનાં ચહેરા પર તે સમયનું ખીલખીલાટ તમે જોયુ છે? જોજો ક્યારેક સમય મળે તો.. આ બધી મનોરંજનની વાત છે. જિન્દગી જીવવા માટે મનોરંજન પણ થવું જોઈએ ને?

ચાલો ત્યારે.. આ તો માત્ર રમૂજ હતી, નાના મોઢે મોટી વાત.. ભૂલચૂક થઈ હોય, ન બોલવાનું બોલાઈ ગયું હોય, તો માફ કરજો.... :)


લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 32

No comments:

Post a Comment