પ્રેમીઓનો આખરે અંત, આ સમાજના સ્વાર્થની વાત છે..
પહેલી વખત કોઈ ફિલ્મ જોઈને એવું લાગ્યું કે હવે 'ગુજરાત' બોલીવુડનો આવનારો સમય છે. વર્તમાન સમયે બનતી કોઈ ગુજરાતી ફિલ્મનો પ્રોમો જોઈએ તો ખરેખર દુઃખ થાય અને હસવું પણ આવે. ગુજરાતી ફિલ્મ પણ સુપરહિટ જઈ શકે, જો તેને તેના લાયક કોઈ નિર્માતા મળે. ગુજરાત સહિત દેશભરમાં ભારે વિવાદો થયા હોવા છતાં, સુપર-ડુપર હાઉસફુલનાં પાટિયાવાળી, સંજય ભણસાલીનાં બેનર હેઠળ તૈયાર થયેલી ફિલ્મ, ગોલિયો કી રાસલીલા..'રામ-લીલા'. કોઈએ સાચું જ કહ્યું છે કે સફળ એ જ થાય છે, જેની પાછળ વિવાદ થાય છે અથવા જે વિવાદોમાં મુકાય છે.
નહીંતો ઑફ ધ રોડ જેવી ગુજરાતી ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ ન થતી અને કદાચ તેને કોઈએ જોઈ પણ ન હોત, પણ જ્યારે બોલિવૂડનાં બારણે તૈયાર થયેલી ફિલ્મ, કોઈ ગુજરાતી ફિલ્મ જેવી લાગે અને તેનાં શબ્દો, સંગિત, ડાયલોગ્સ અથવા તો એમ કહો કે કોઈ ગુજરાતી ટચ હોય તેવો અનુભવ થાય તો ગુજરાતી હોવાનો ગર્વ અનુભવાય, અને તે ફિલ્મને ખરેખર દાદ આપવી ગમે.
જોયા-જાણ્યા વગર ફિલ્મને લઈને જે વિવાદોનું વંટોળિયું ફૂંકાયું તે ફિલ્મની સફળતા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી ગયું, પણ અહીં એક પ્રશ્ન ઊભો થવો ખરેખર વ્યાજબી છે કે શું ખરેખર આ ફિલ્મનો વિરોધ થવો જોઈતો હતો? વાત કોઈ સમાજ કે જાતિનું અપમાન કર્યાની નથી, ફિલ્મમાંથી તેવાં દ્રશ્યો અને ડાયલોગ્સ દુર પણ કરી દેવાયા છે, પણ વાત ગુજરાત અને તેની સાથે જોડાયેલી વસ્તુઓને દુનિયાની સામે ચમકવાની તક અને ન્યાય મળવાની છે.
છેલ્લાં કેટલાક સમયથી સાઉથની ફિલ્મોનું વાવાઝોડું એવું તો બોલીવુડમાં ફૂંકાયું કે હવે બોલીવુડ માટે સાઉથની ફિલ્મો પણ અપખે પડી ગઈ હોય એવું લાગે છે. સંજય ભણસાલીની આ ફિલ્મને જો લોકોએ, ખાસ કરીને ગુજરાતી લોકોએ પસંદ કરી હોય તો તે માત્ર તેના ગુજરાતી એન્ગલનાં કારણે. 'ભાઈ-ભાઈ', 'નથી જોઈતું મારા બાપ', 'એ સુનતો-હા બોલતો', અને 'રામ ફોન ઉપાડ' જેવા ડાયલોગ્સ, ઝવેરચંદ મેઘાણી, લીલી લેંબડી રે, ગુજરાતી દૂહા-છંદ, અને ગુજરાતી સંગિતનાં કારણે આ ફિલ્મ પોતાની હોય, તેવો અનુભવ થાય.
એ બધું તો ઠીક, વધુંમાં કહું તો આ ફિલ્મ જોઈને નરેશ કનોડિયા, ઉપેનકુમાર, સ્નેહલતા અને રમેશમહેતા જેવા ગુજરાતી કલાકારો ઉપર ફિલ્માવાયેલી, એક સમયની લોકપ્રિય ગુજરાતી ફિલ્મો, ઢોલા-મારું, મેરું-માલણ, ભવ-ભવની પ્રિત જેવાં ગુજરાતી ફિલ્મીદ્રશ્યોની છાંટ પણ આમાં ક્યંક-ક્યાંક જોવા મળે. હાં, ફિલ્મની એક વાત જરૂર ખુંચી કે તે રોમિયો એન્ડ જૂલિયટ પર પ્રેરિત છે, ક્યાં રોમિયો એન્ડ જૂલિયટની વાત અને ક્યાં રામ-લીલાની વાત.
હાં, હરહંમેશની જેમ બે પ્રેમીઓએ છેલ્લે પોતાનાં પ્રેમનું બલિદાન આપવું પડે છે, અને એ પણ એ જ સ્વાર્થી, ઈર્શાળું અને દુશ્મન જેવા મુરખ સમાજનાં કારણે. આટઆટલી ફિલ્મો બની, સમાજમાં પ્રેમીઓના સાચા દાખલા બન્યા, તો ય આજે ઘણાં કુટંબ-પરિવારોમાં 'સમાજ-સગાસંબંધી શું કહેશે', તેવો ડર અને સુખનાં સ્વાર્થે બે સાચા પ્રેમીઓએ બલીદાન આપી દેવું પડે છે. આજ સુધી કોઈ એવો સમાજ ઊભો નથી થયો જેણે પ્રેમીઓને સમર્થન આપ્યું હોય. આ સ્વાર્થી સમાજ છે, જે ક્યારેય નહીં બદલાય..
પ્રેમનો રંગ લાલ છે, શરીરનું લોહીં પણ લાલ છે,
સમજો, આ દરેક સમાજની 'રામ-લીલા'નો સવાલ છે..
- લિ. અંકિત એમ. પંડ્યા..
સમુદ્ર મંથન - રત્ન 55
No comments:
Post a Comment