આર્ટીકલ અને પોસ્ટ :-

Sunday, 18 August 2013

કેમ 'પોલીસ' બનીને ફરવા લાગ્યું છે? સમાજની સામે, પડદાં પાછળનું બોલીવુડ

આ ટ્રેન્ડ ખૂબ જ જૂનો છે અને વર્ષોથી ચાલતો આવ્યો છે. બોલીવુડ દ્વારા પ્રસ્તુત થતી ફિલ્મો સમાજનાં કિસ્સાઓને ધ્યાનમાં લઈને બને છે અને તે જ ફિલ્મોનું ફરી આ સમાજ અનુકરણ કરે છે. તારું જોઈને હું શીખું, અને મારું જોઈને તું શીખ, આ 'નકલચક્ર' આમને આમ સતત ચાલ્યા કરે છે, પણ વાત અહીં પડદાં પાછળનાં બોલીવુડની છે, જે દેશની સ્થિતિને જોઈને તેને સુધારવા માટેના પ્રયત્નો કરે છે. ટૂંકમાં એમ કહીં શકાય કે બોલીવુડ એ માત્ર મનોરંજનનું સાધાન નથી પણ સમાજને સુધારવાનું કામ પણ કરી રહ્યું છે અથવા કરી શકે એમ છે. કેવી રીતે? જાણીએ આગળ.

તાજેતરમાં પ્રસ્તુત થયેલી બોલીવુડની કેટલીક ફિલ્મો ઉપર નજર કરશો, તો તમને એક વિષય કોમન દેખાશે, અને એ છે 'પોલીસ'. પણ એવું તો શું છે કે અત્યારે પોલીસ ઉપર ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અને તેમાં પણ એક મુદ્દો બધામાં કોમન જોવા મળશે અને એ છે કે પોલીસ પાસે પોતે નિર્ણય લેવાની કોઈ સત્તા નથી, ઉપરથી જે ઓર્ડર્સ આવે તેમ તેમણે વર્તવું પડે છે, અને જે પોલીસ અધિકારીઓ પાસે સત્તા છે, તેઓ પોતે જ ભ્રષ્ટ છે. મોટા ગુન્હા અને ગુન્હેગારોનો સફાયો કરી નાખવો એ પોલીસનાં હાથની વાત નથી કેમ કે કાયદો તેમના હાથમાં નથી.  તાજેતરમાં રિલીઝ થયેલ આવી કેટલીક ફિલ્મો જોઈએ તો તેમાં, 'વોન્ટેડ', 'તલાશ', 'દબંગ', 'દબંગ-2', 'સિંઘમ', 'રાઉડી રાઠોડ', 'ખેલાડી-786', અને 'પોલીસગીરી'નો સમાવેશ કરી શકો છો.

આ બધી ફિલ્મોમાં પોલીસની ભૂમિકા, સમાજની રિઅલ પોલીસ કરતા કઇંક જૂદી બતાવવામાં આવી છે. આ ફિલ્મો દેશની રિઅલ પાલીસ સામે આંગળી ચીંધીને જાણે બુમો પાડી રહીં છે કે જો, આને કહેવાય પોલીસ, આવી હોવી જોઈએ પોલીસ અથવા આવા હોવા જોઈએ પોલીસ અધિકારી. તેમાં પણ સંજય દત્તની 'પોલીસગીરી'એ તો જાણે ગુંડાગીરી સામે સાચો બંડ પોકારી દીધો હોય એમ આ વાતને વધારે સ્પષ્ટ રીતે કહીં દીધી છે કે બોલીવુડ આ ફિલ્મો દ્વારા દેશની અમુક ટકા પોલીસને શું કહેવા માંગે છે. ભારતમાં અમુક ટકા પોલીસની સ્થિતિ કેવી છે એ વાતથી દેશનો લગભગ દરેક નાગરીક વાકેફ છે, એમ કહીંએ તો કશું જ ખોટું નથી, પણ સમાજને આવી પોલીસ નથી જોઈતી.

ફેસબુક, ટ્વિટર અને ગુગલપ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સ પર દેશની યંગ જનરેશન અમેરિકા જેવી પોલીસની વધારે તરફેણ કરે છે. જોકે તેમને અમેરિકન પોલીસ જેવી પણ પોલીસ નથી જોઈતી. તેમને ભારતની આ અમુક ટકા પોલીસ, આ બધી ફિલ્મોમાં બતાવાયેલા પાત્રો જેવી મજબૂત જોવી છે, જેમાં એક પોલીસ અધિકારી દબંગ હોય, સિંઘમ હોય, રૂદ્રા આદિત્ય જેવો કોમ્બો હોય, 'બાય વન ગેટ વન ફ્રી'. આજની અમુક ટકા પોલીસ ગુંડાઓ સામે પાંગળું અને નિર્દોષ પ્રજા સામે ગુંડાઓ જેવું વર્તન કરે છે. ભારતનો દરેક નાગરીક છાતી ફૂલાવીને એમ નથી કહીં શકતો કે હું સંપુર્ણ રીતે સુરક્ષિત છું, મને ભારતિય પોલીસની મજબૂત સુરક્ષા છે.

સરાજાહેર કોઈનું ખુન થઈ જાય છે, નબીરાઓ ફૂલ સ્પિડે વાહનો ચલાવીને કેટલાયને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દે છે અને તેઓ જેલમાંથી છૂટી પણ જાય છે. દિલ્હી જેવા ગેંગરેપનાં બનાવો દરરોજ બનતા રહે છે. રેલીઓ અને આંદોલનો કરવા જાવ તો ઉલટાની તે પોલીસ પ્રજા પર આકરા પ્રહારો કરે છે. આવામાં એક સામાન્ય માણસ પણ એવું જ વિચારે કે 'છોડો, ક્યાં આ બધી જંજાળમાં પડવું, અને હેરાન થવું, કોઈને કશો જ ફરક નથી પડતો, આપણી પાસે એવી કોઈ સત્તા નથી, નાહકનાં પકડાઈ જઈશું તો બે-ચાર અઠવાડિયા જેલની હવા ખાવી પડશે અને આપણાં પરિવારને રોટલો ખવડાવવા પણ બીજું કોઈ નહીં આવે.' તો કેટલાક વળી હિંમત કરીને વિરોધ વ્યક્ત કરે તો કાયદાની જંજાળમાં ફસાઈ જાય છે અને કોર્ટ-કચેરીનાં ધક્કા ખાવાના વારા આવે છે.
'બોલીવુડ એ સમાજનો અરીસો છે, જેમાં સમાજ પોતાનો ચહેરો જોવે છે', આવું કહીંને મે વળી શું નવાઈ મારી? મને ખબર છે આમાં મેં કોઈ નવાઈ નથી મારી, પણ એક અરીસો ઘરમાં પણ છે અને આ બન્ને અરીસા વચ્ચે એક મોટો તફાવત છે, એ અહીં કહેવો છે અને એ જ નવાઈની વાત છે.

ત્યારે બોલીવુડમાં 'આરક્ષણ', 'હલ્લાબોલ' અને 'સત્યાગ્રહ' જેવી ફિલ્મો દ્વારા પણ તેમને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટૂંકમાં બોલીવુડ એ સમાજનો અરીસો છે, જેમાં સમાજ પોતાનો ચહેરો જોવે છે. આપણે ઘરનાં અરીસા સામે જોઈને તો આપણો ચહેરો સરખો કરી લઈએ છીએ, પણ બોલીવુડ નામનાં આ અરીસા સામે જોઈને ક્યારે સમાજનો ચહેરો સરખો કરીશું? જોકે એક વાત અહીં ધ્યાનમાં લેવા જેવી છે કે ઘરનો અરીસો ઈચ્છે તો તે તમને બદલી નથી શકતો, પણ બોલીવુડ નામનો આ અરીસો ઈચ્છે એ રીતે સમાજનો ચહેરો બદલી શકે છે અને અત્યારે એ જ પ્રયત્નો કરી રહ્યું છે.

તાજેતરમાં પ્રસ્તુત થયેલી ફિલ્મોની સરેરાશ કાઢવા જશો તો મર્ડર, જિસ્મ અને નશા ફિલ્મો જેવા બોલ્ડ વિષયો ઓછા અને સમાજને સુધારવાનાં વિષયો પર ફિલ્મો વધારે બની છે. એટલે જ કદાચ બોલીવુડ આ બધી ફિલ્મો દ્વારા 'પોલીસ'નો ચહેરો બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કદાચ તમે પણ જોયું હશે કે જ્યારથી દબંગ, સિંઘમ અને પોલીસગીરી જેવી ફિલ્મો આવી છે, ત્યારથી ઘણાં યંગ પોલીસ અધીકારીઓ ચુલબુલ પાંડે, બાજીરાવ સિંઘમ અને રૂદ્ર પ્રતાપસિંહ જેમ બનીને ફરે છે.

રોહિત શેટ્ટીની ફિલ્મોમાં બતાવાયેલી પોલીસ, જે રીતે સ્કોર્પિયો લઈને નીકળે છે, તે જોઈને દેશની અમુક ટકા પોલીસ પણ સ્કોર્પિયો લઈને ફરતી થઈ છે. ટૂંકમાં દેશની અમુક ટકા પોલીસને એવા પોલીસ હોવાનો દેખાડો તો કરવો છે, પણ એવી પોલીસ બનતા નથી આવડતું અથવા બની શકે એમ છે જ નહીં. 'હું તારું સાચવું, તું મારું સાચવ' એવી રીતે એક બાજું ટ્રાફિક પોલીસ ચા-પાણીનાં 50/100 રૂપિયા લઈને ચાલતી પકડે છે, બીજી બાજું મોટા-મોટા ક્લબો-હોટલો-અડ્ડાઓ ચલાવતા દિગ્ગજ લોકો બિન્દાસ ફરે છે અને લારી-ગલ્લાં ચલાવતા ગરીબ વેપારીઓ પાસેથી લાયસન્સ ન હોવાના બહાને હપ્તો ઉઘરાવવામાં આવે છે. શું આવી અમુક ટકા પોલીસને બદલવું જોઈએ? શું આવી અમુક ટકા પોલીસ બદલાશે ખરી? આ વીશે તમારો અભિપ્રાય જાણવો ચોક્કસ ગમશે. 


લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 47

(નોંધઃ 'અમુક ટકા પોલીસ' વારંવાર આવો શબ્દપ્રયોગ અહીં એટલા માટે કરવો પડ્યો છે કે દરેક પોલીસ એક જેવી નથી હોતી, કેટલાક સારા પણ હોય છે, સારાથી પણ વધારે, તો તેમની સાથે શબ્દોથી અન્યાય ન કરી શકાય, બાકી નાના મોઢે મોટી વાત, ભૂલ ચૂક માફ કરવી.)

No comments:

Post a Comment