આર્ટીકલ અને પોસ્ટ :-

Sunday, 20 April 2014

બે રાજ્યો અને બે નેતાઓઃ ગુજરાત-મહારાષ્ટ્રા અને નરેન્દ્ર મોદી-રાજ ઠાકરે

'2 States' of 2 politician - Gujarat & Maharastra

    દુનિયામાં આ સમયે ભારત જ એક એવો દેશ છે, જ્યાં સૌથી વધું યંગ આબાદી છે. આ જ યંગ જનરેશન અને યુથપાવરનાં કારણે આવનારા સમયને ભારતમાં નવનિર્માણનો સમય માનવામાં આવી રહ્યો છે. ચારે તરફ બદલાવની વાતો ચાલી રહી છે, તેવામાં આજકાલ ન્યૂઝ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી તમને બે એવા નેતાઓ ચર્ચામાં જોવા મળી રહ્યાં હશે, જેમનું વ્યક્તિત્વ યંગજનરેશનને આકર્ષિત કરે છે. આ બે નેતાઓ એવા છે, જે કોઈકને ગમે છે, કોઈકને નથી ગમતા અને તેમનાં કારણે તેઓ જે રાજ્યોમાંથી સામે આવી રહ્યાં છે તે પણ ચર્ચામાં આવ્યા છે. વાત અહીં તે બે નેતાઓ અને તેમના રાજ્યોની શું સ્થિતિ છે તેના વીશેની છે.

    ટ્વિટર-ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર આ બે નેતાઓની આજકાલ ભારે ચર્ચા ચાલી રહી છે. ટાઇમ્સ નાઉ પર અર્નબ ગોસ્વામી સાથે ફ્રેન્કલી સ્પિકિંગ અને  ઇન્ડિયાટીવીમાં આપકી અદાલતના રજત શર્મા સાથે ચાલેલા મોદી અને રાજ ઠાકરેનાં ઇન્ટરવ્યુંની મીડિયા જગતમાં ખાસ્સી ચર્ચા છે. ત્યાં સુધી કે આપકી અદાલતમાં ચાલેલો મોદીનો ઇન્ટરવ્યું ટવિટર ટ્રેન્ડિંગમાં નંબર-1 પોઝિશન પર આવી ગયેલો. જે રીતે તેમના આ ઇન્ટરવ્યું દેશ અને મીડિયા સામે આવ્યા છે તેના સારા-નરસા બન્ને તરફના પાસા જોવા મળી રહ્યાં છે.

    તો આ બન્ને નેતાઓ અને તેમનાં રાજ્યોમાં એવું તો શું છે, જેનાં વીશે જાણવાની દેશવાસીઓમાં, તેમા પણ ખાસ કરીને યંગજનરેશનમાં એક ઉત્સુક્તા હોય છે. આ બન્ને નેતાઓ અને તેમનાં રાજ્યો તેમજ રાજ્યો પ્રત્યે તેમનો એટિટ્યૂડ કેવો છે તેની અહીં વાત કરવા જઈ રહ્યાં છીએ. સૌથી પહેલા વાત કરીએ મહારાષ્ટ્ર, મનસે(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)નાં પ્રમુખ રાજ ઠાકરે, જેમના વીશે કહેવાય છે કે તેમનાં વ્યક્તિત્વમાં બાલા સાહેબ ઠાકરેના દર્શન થાય છે. જેમ બાલા સાહેબ ઠાકરે વ્યંગચિત્ર (કાર્ટૂન) તરફ રસ ધરાવતા તેવી જ રીતે રાજ ઠાકરે પણ ધરાવે છે.

    રાજ ઠાકરેનાં ભાષણો કેટલાં અંશે નફરત ફેલાવનારા કે ભડકાઉ છે તે તો ચર્ચાનો વિષય છે પણ જે છટા અને બેબાક થઇને તેઓ પોતાની વાત રજુ કરે છે તે બાલા સાહેબ ઠાકરેની યાદ અપાવે છે, અને તે યુવામાં આકર્ષણ ઊભું કરે તેવી છે. તેમનાં ઈન્ટરવ્યુંમાં સાંભળવા મળેલા કેટલાક ધ્યાનાકર્ષક વાક્યો અહીં વાંચી શકો છો..

રાજ ઠાકરે ટૂ અર્નબ ગોસ્વામીઃ
- ''મેરા સમર્થન મોદીકો હૈ, બીજેપી કો નહીં, ધેટ્સ ઈટ''
- ''યાર એક હીં ક્વેશ્ચન કિતની બાર પૂછોગે? તૂમ્હે ચાહિયે ક્યાં અર્નબ?''
- ''જો આદમી તૂમ્હે એક ઇન્ટરવ્યું નહીં દે શક્તા, વો દેશ ક્યાં ચલાયેગાં''
રાજ ઠાકરે ટૂં રજત શર્માઃ
- ''અરે તો ક્યાં મે તાલી ન્યૂઝ પેપર પે દૂં, ફોન કરો બાત કરલો..''
- ''અરે તો મેને ક્યાં ઝંડુ બામકીં ફેક્ટરી ખોલ રખ્ખી હૈ''

    આવા જ કઇંક શબ્દોમાં પોતાની સીધી વાત મૂકતા રાજ ઠાકરે મુંબઈનાં યુવા હૈયામાં રાજ કરે છે. તેઓ મહારાષ્ટ્રની વાત કરે  છે, મહારાષ્ટ્રનાં નવનિર્માણની વાત કરે છે. મરાઠીની વાત કરે છે. બે-બે કરોડના, 22 - 23 વર્ષોનાં કરારથી આપેલા ટોલનાકા અને જે રસ્તાઓ માટે ટોલ ઉઘવાઈ રહ્યો છે તે રસ્તાઓની દુર્દશા વીશેની વાત કરે છે. તેઓ ગુજરાતના વિકાસથી પ્રોત્સાહિત છે અને ગુજરાતનાં વિકાસને માને છે. હવે જોવું એ રહ્યું કે મહારાષ્ટ્ર માટેનો તેમનો પ્રેમ આવનારા ઇલેક્શનમાં કેવો રંગ લાવે છે. હવે વાત ગુજરાત અને નરેન્દ્ર મોદીની.

    ગુજરાત તેના વિકાસને લઈને આજે વૈશ્વિકમંચ પર ચર્ચાઈ રહ્યું છે. તેની ચર્ચા દેશ-દુનિયામાં થવા લાગી છે. પોલિટિક્સનાં કેટલાક ધુરંધરો ગુજરાતનાં આ વિકાસને ખોટો ગણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં કોઈ જ પ્રકારનો વિકાસ નથી થયો. આવામાં એવા પ્રશ્નો પણ ઊભાં થઈ રહ્યાં છે કે તો પછી ગુજરાતની આજે ચર્ચા શા માટે થઈ રહીં છે? શા માટે ગુજરાતમાં ત્રણ-ત્રણ વખત મોદીનાં નેતૃત્વમાં બીજેપી સરકાર રચાઈ? તેઓ તો મોદીની લહૈરને પણ વખોડી રહ્યાં છે. આ એ જ મોદીની લહૈર છે જેનાં જોરે આપકી અદાલતમાં મોદી-રજત શર્માનો ઇન્ટરવ્યું ટ્વિટર ટ્રેન્ડિંગ પર નંબર પોઝિશન પર આવેલો.

    મોદીની લહૈર છે કે નહીં અને ગુજરાતનો વિકાસ છે કે નહીં તે વાત દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જાણતું-અજાણતું હશે પણ ગુજરાતમાં શું જોવા મળ્યું છે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં તેની એક યાદી અહીં જોઈ લઈએ.

- અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટઃ- એક સમયે સાબરમતી તેની ગંદકીનાં કારણે ઓળખાતી, આજે તે રિવરફ્રન્ટ તરીકે ઓળખાય છે. બીઆરટીએસ પ્રોજેક્ટ કેટલાક વિસ્તારોને બાદ કરતા મોટાભાગનો પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે.
- સુરત, રસ્તાઓ, બ્રિજ એન્ડ ડાયમન્ડઃ એક બાજુ જ્યાં રસ્તાઓ અને બ્રિજ તેને ઓળખ આપી રહ્યાં છે ત્યાં હિરાઘસું તરીકે ઓળખાતો કારીગર આજે રત્ન કલાકાર તરીકે ઓળખાય છે.
- ઉત્સવપ્રિય ગુજરાતઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, કૃષિમહોત્સવ, ગરીબરથમેળો, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, પતંગોત્સવ, છેલ્લાં 15 વર્ષથી ગુજરાત તેની નજર સમક્ષ જોતું આવ્યું છે.
- એક સમયે રસ્તા પર એક્સિડેન્ટ થતું તો ત્યાં હાજર માણસ વિચારતો કેવી રીતે પીડિતને મદદ કરૂ, કોને ફોન કરૂં, ક્યાં પોલીસ ઇન્ક્વાઈરીની જંઝટ માથે લઉ, કોઈ વાહન પણ મદદ માટે ન આવે. આ સમયે એક્સિડન્ટ થાય છે ત્યારે ત્યાં હાજર દરેકે-દરેકનાં મોઢે એક જ વાક્ય સંભળાય છે - '108ને ફોન કર્યો?' ત્યારે જે તે દર્દી હોસ્પિટલ નહીં, હોસ્પિટલ દર્દી પાસે આવે છે.
- નર્મદા યોજના, પાણીનાં કારણે કૃષિ ઉત્પાદન અને કૃષિમેળાનાં કારણે કૃષિક્ષેત્રે ગુજરાતનો ગ્રોથ ભારતનાં કૃષિગ્રોથ કરતા ડબલથી વધું છે.
- સૌર ઉર્જાક્ષેત્રે ગુજરાતે ભરેલા પગલાં, ઉદ્યોગક્ષેત્રે ગુજરાતે દેખાડેલી ફ્રેન્ડલી સિસ્ટમ અને તેનાં કારણે જોવા મળેલી રોજગારી, આ તમામ ગુજરાતવિકાસનું ગ્રોથ એન્જીન કહેવાય છે.
- 24 કલાક વીજળી, છેવાડાનાં ગામ સુધી પહોચાડતા પાક્કા રસ્તા, અને બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનાં બ્રાન્ડએમ્બેસેડર હેઠળ ખુશ્બુ ગુજરાતકીનાં જોરે દુનિયાને આમંત્રિત કરતું ગુજરાત પ્રવાસન સૌની નજર સામે છે.

    આ યાદી એવી છે જેની સાથે મોટા ભાગના લોકો સહમત થાય છે. તેના વીપરિત ગુજરાત વારંવાર 2000નાં હિંદુ-મુસલમાન રમખાણોને લીધે આજદીન ચર્ચાતું રહ્યું છે. તેમાં પણ વધું રાજકિય ગરમાવો તેમાં ગુજરાત સરકારનું નામ આવ્યું હતું ત્યારબાદ જોવા મળ્યો છે. જોકે ત્યારથી લઈને આજદીન સુધી ગુજરાતમાં કોમી રમખાણો જોવા મળ્યા નથી તે પણ એક ઉલ્લેખનીય બાબત છે, જેની ચર્ચા રાષ્ટ્રીય ધોરણે થતી રહે છે. આવામાં જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભાજપનાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર તરીકે પસંદ થાય ત્યારે આ પ્રકારની ચર્ચાઓ વધું જોર પકડે તે સ્વભાવિક છે.

    આકર્ષક અને ધારદાર વક્તવ્યોથી પોતાનું વ્યક્તિત્વ ઊભુ કરનાર મોદી, ક્યાંકને ક્યાંક ભારતનાં લોકોની ડૂબતી નસ પારખે છે. તેઓ એક ઇમોશનલ એટેચમેન્ટ પણ ઊભું કરે છે, જેમ કે એક ચા વાળો પ્રધાનમંત્રી કેમ ન બની શકે અને પછી ચાય પે ચર્ચા દ્વારા એક એવા સામાન્ય નાગરીકને નોમિનેશન ફોર્મ ભરતા સમયે ટેકેદાર બનાવે છે જે ચાની કિટલી પર કામ કરતો હોય. સોશિયલ મીડિયા પર યુવાનોનો ઇન્ટ્રસ્ટ અને હાજરી જોઈને તેનો ઉપયોગ કરતા પણ  તેઓ સારી પેઠે જાણે છે અને એટલે જ કદાચ આજે ન્યૂઝ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર મોદી મેજિક છવાયેલું જોવા મળે છે.

    શું આ બન્ને રાજ્યો પોતાની ઓળખ અને તેના આ બન્ને નેતાઓ પોતાનાં વક્તવ્ય અને વ્યક્તિત્વનાં જોરે દેશનાં મોટા ભાગના યંગસ્ટર્સમાં આકર્ષણ ઊભું કરવામાં સફળ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે? તમને શું લાગે છે કે હવે આવનારો સમય આ બન્ને નેતાઓને અને આ બન્ને નેતાઓ દેશને ક્યાં લઈ જશે? કોઇકને ગમ્યાં કોઇંક ન ગમ્યાં, આ નેતાઓ વીશે તમે શું કહો છો?

- લી. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 64

No comments:

Post a Comment