આર્ટીકલ અને પોસ્ટ :-

Tuesday, 1 October 2013

જીવનસાથી કેવો હોવો જોઈએ?

દરેકનું એક સ્વપ્ન હોય છે તેનો જીવનસાથી. દુનિયાની દરેક વ્યક્તિએ તેની જે તે ઉંમરે એવું જ સ્વપ્ન જોયું હોય છે કે તેનો જીવનસાથી તેને ખૂબ પ્રેમ કરતો હોય, તેને ખૂબ સમજતો હોય, તેની ઉપર કોઈ પ્રકારનું બંધન ન રાખે, શંકાશિલ ન હોય, કચ-કચ ન કરે, પરિસ્થિતીને સમજે. આવી કેટકેટલીય અપેક્ષાઓ એક પત્ની તેના પતિ અથવા તો એક પતિ તેની પત્ની પાસેથી રાખતો હોય છે. આજે આવી જ એક વાત એક સિરિઅલનાં આધારે અહીં મુકવાનો પ્રયત્ન કર્યો છે. આ સિરિઅલ અને સાથે-સાથે એક જીવનસાથી કેવો હોવો જોઈએ? તેની ચર્ચા આપણે અહીં કરવા જઈ રહ્યાં છીએ. એક જીવનસાથી ખરેખરમાં કેવો હોવો જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર આપણે અહીં શોધવાનો પ્રયત્ન કરીશું.

29મી ઓગસ્ટનાં રોજ, સ્ટાર પ્લસ ચેનલ પર શરૂ થયેલી, પ્રોડ્યૂસર શશી મિત્તલ અને સુમિત મિત્તલ,(શશી સુમિત પ્રોડક્શન) તેમજ રોહિત રાજ ગોયલ દ્વારા ડાયરેક્ટેડ એક લોકપ્રિય સિરિઅલ 'દીયા ઔર બાતી, હમ'ને આધારમાં લઈને, 'એક જીવનસાથી કેવો હોવો જોઈએ?' તે વાતને મે અહીં રજું કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ તે પહેલા આ લોકપ્રિય સિરિઅલ વીશે થોડું જાણી લઈએ. આ સિરિઅલનાં નિર્માણમાં શશી અને સુમિત મિત્તલનું ખાસ્સું એવું યોગદાન છે, તેઓ તેના ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને રાઇટર પણ છે. તેમજ અન્ય બે રાઇટરનું પ્રદાન પણ એટલું જ મહત્વનું છે, સીમા મંત્રી અને રઘુવીર શેખાવત. પતિ-પત્ની વચ્ચેના રોમાન્સ અને એક ઉત્તમ જીવનસાથીનું દ્રશ્ય ખડું કરતીં આ સિરિઅલનાં મોટા ભાગનાં દ્રશ્યો પુસ્કર, અજમેર, સિંગાપોર અને દિલ્હીમાં ફિલ્માવાયા છે.

આ સિરિઅલમાં ત્રણ પાત્રો ઉપર ખાસ્સો એવો ભાર મુકવામાં આવ્યો છે, અથવા એમ કહો કે આ ત્રણ પાત્રોનું જ આ સિરિઅલમાં ખાસ્સું એવું મહત્વ છે, જેમાં પતિ, સુરજ રાઠી એટલે કે અનસ રશિદ, તેની પત્ની(સિરિઅલમાં)સંધ્યા સુરજ રાઠી એટલે કે દિપીકા સિંઘ અને ભાભો એટલે કે નિલું વાઘેલા. સુરજ રાઠી પુસ્કરનો એક હલવાઈ(ડોન્ટ અન્ડર એસ્ટિમેટ, ધ પાવર ઓફ હલવાઈ) છે, ભાભો તેની માતા છે, અને સંધ્યા એક ભણેલી-ગણેલી પત્ની. સંધ્યા રાજસ્થાનની એક ટીપીકલ હાઉસ વાઇફથી પર, આગળ ભણીને આઈપીએસ અધિકારી બનવા માંગે છે. ભાભોનું પાત્ર ખુબ જ કડક અને રૂઢિવાદી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેઓ સંધ્યાને એક હાઉસ વાઇફ જ બનીને રહે એવું ઈચ્છે છે, જ્યારે સંધ્યાનો પતિ, એટલે કે સુરજ રાઠી તેને તેનાં અભ્યાસમાં મદદ કરવા માંગે છે.

એકબીજા પ્રત્યેના પ્રેમની ભાવનાઓથી ભરપૂર આ સીરિઅલ એટલા માટે દરેક પતિ-પત્ની, કે કપલ માટે મહત્વની છે, કેમ કે એક ઉત્તમ જીવનસાથી કેવો હોવો જોઈએ, તનો ખયાલ અહીં સુંદર રીતે છતો કરવામાં આવ્યો છે. બની શકે આ સિરઅલ જોયા બાદ એક જીવનસાથી તરીકેનાં તમારા વિચારો બદલાઈ જાય. આપણે હમેશા એવા જીવનસાથીની કલ્પના કરતા હોઈએ છીએ, જેની સાથે સરળતાથી અને ધામધૂમથી લગ્ન થઈ જાય, જે સુંદર દેખાતું હોય, તેનાંમાં કોઈ ખામી ન હોય. પણ ક્યારેય આ વાત ઉપર એટલો ભાર નથી મૂક્તા કે એ જીવનસાથી તમને સમજતો પણ હોવો જોઈએ. તેને તમારા પ્રત્યે ખરેખરમાં પ્રેમ પણ એટલો જ હોવો જોઈએ. 'હું તને પ્રેમ કરું છું' આવું દિવસમાં સત્તર વખત બોલનાર તમને ખરેખરમાં કેટલો પ્રેમ કરે છે, એ તેની સાથે થોડો સમય પસાર કરો એટલે આપોઆપ સમજાય જતું હોય છે.

આવું ઘણી વખત બનતું હોય છે કે જે વ્યક્તિ તમને ખુબ જ ચાહતી હોય, તેના માટે તમે જ તેની દુનિયા છો, એ દિવસ-રાત તમારા જ સ્વપ્ન જોયા કરે છે, એ તમારા માટે કઈ પણ કરી શકે છે, પણ અફસોસ, એ જ વ્યક્તિને તમે એટલું નથી ચાહતા, જેટલું તમે કોઈ બીજાને પસંદ કરતા હોવ છો. અને તે બીજી વ્યક્તિ તમને એટલું નથી ચાહતી હોતી, જેટલું તમે તેને ચાહતા હોવ છો. આ લવ ટ્રાઇએંગલ વર્ષોથી આપણાં સમાજમાં અરીસો લઈને સામું ઊભું છે, પણ આપણને તેની સામું જોવામાં કોઈ જ રસ નથી. અને ખરેખર જ્યારે લગ્ન થઈ જાય અને થોડો સમય વીતિ જાય, પછી ખબર પડે છે, કે સાલું પેલા જોડે જ લગ્ન કર્યા હોત જે મને ખૂબ જ ચાહતું હતું, તો આજે આ દિવસ ન જોવો પડતો.

આવું લગભગ દરેકનાં લગ્નજીવનમાં જોવા મળતું હોય છે, અને તેનું છેલ્લું પરિણામ છૂટાછેડા સુધી પરિણમતું હોય છે. દીયા ઔર બાતીમાં સંધ્યા અને સુરજ વચ્ચે જે પારસ્પરીક સમજ પ્રસ્તુત કરવામાં આવી છે, તે ખરેખર જોવા જેવી છે. બીગ બોસ જેવી સિરિઅલો જોવા કરતા વધુ સારું છે આવી કોઈક સિરઅલ જોવી. આવી સિરિઅલ તમારા સમયના સદુપયોગની સાથો-સાથ તમારા વિચારોમાં પણ આમુલ પરિવર્તન લાવી શકે છે. સુંદરતા, ઈમ્પ્રેશન, દબદબો અને વૈભવી ઠાઠ-માઠ જેવી દેખાદેખીમાં ક્યારેક આપણને આપણો જીવનસાથી અન્યોનાં જીવનસાથી કરતા નબળો લાગે છે, પણ ખરેખર જ્યારે જોવા જાવ ત્યારે ખબર પડે છે કે જે આપણાં માટે જીવી રહ્યો છે તેની સામે આ દેખાદેખી શુન્ય બરાબર હોય છે.

એક સારા જીવનસાથીને તમારી પાસેથી સમયની અપેક્ષા સૌથી વધારે હોય. એ ઈચ્છતી હોય છે કે તમે તેની માટે થોડો સમય ફાળવો, તમે તેને યાદ કરો, આજની પરિભાષા પ્રમાણે તમે તેની કેર કરો. જો તમે તેને સમજો, તેની સાથે રહો, તેને સમય આપો, તેનું ધ્યાન રાખો, તો આ બધાનું નામ એટલે તમે તેને પ્રેમ કરો છો એમ થઈ ગયું. તમારે તે વ્યક્તિને એવું કહેવાની જરૂર નથી રહેતી કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તે વ્યક્તિ તમારા વલણ પરથી જ સમજી જાય છે. પ્રેમ આનું જ નામ છે અને આ જ પ્રેમની ખરી વ્યાખ્યા છે. તમારા જીવનસાથીને બંધાઈને રહેવું નથી ગમતું, તમે તેને મુક્ત રીતે ઉડવા દો, આ તમારા તેના પ્રત્યેના પ્રેમનો જ ભાગ છે.

પ્રેમ એક એવી વસ્તું છે જેને ખરીદી નથી શકાતી, જેને છીનવી નથી શકાતી, અને જો ખરીદવા કે છીનવી લેવા ગયા તો પણ એ મજા તો નહીં જ આવે, જે એક પ્રેમને પ્રાપ્ત કરી લેવામાં આવશે. મજબૂરીમાં કે બળજબરી પૂર્વકનાં આલિંગનમાં એ અનુભૂતિ નથી હોતી, જે એક દિલથી કરેલા આલિંગનમાં હોય છે. એક જીવનસાથીને સારો અને સમજદાર સાબિત કરતો પ્રેમ, એક લાંબાગાળાની પ્રોસેસ છે. આજે સમય એવો છે કે એક સારો અને સમજદાર જીવનસાથી મળવો એટલે એક દુર્લભ પ્રજાતિનું પ્રાણી મળી આવવા બરાબર છે. જૂજ લોકો એવા ભાગ્યશાળી હોય છે, જેમને આવો જીવનસાથી મળતો હોય છે. આવા જીવનસાથી ત્યારે જ આગળ વધી શકે, જ્યારે બન્ને પક્ષ એકબીજાને બરોબરીપૂર્વકનો પ્રેમ કરે.

અગાઉનાં લેખમાં કહીં ચૂક્યો છું તેમ, દાંપત્યજીવન એક એવું ગાડું છે, જેનાં બન્ને પૈડા સરખાં હોવા જરૂરી છે. એક પૈડું નાનું હશે અને એક મોટું હશે, તો દાંપત્યજીવન નામનું આ ગાડું એક જગ્યાએ ગોળ-ગોળ જ ફર્યા કરશે અને ક્યારેય આગળ નહીં વધે. પણ જો બન્ને પૈડાં સરખા હશે, તો તેને આગળ વધતા કોઈ રોકી પણ નહીં શકે. જિંદગીમાં કઈ જ ન મળે તો ચાલશે, પણ એક સમજદાર અને પ્રેમાળ જીવનસાથી ન મળ્યું, તો જીવન બગડ્યું એમ સમજો. માણસ ગમે તેટલો આગળ વધી જાય, પણ એક જગ્યાએ પહોંચ્યા પછી તેને એક ખાલીપો સતાવવા લાગે છે, જે ખાલીપો તેનો જીવનસાથી જ પૂરો કરી શકે. તો જે જીવનસાથી તમને મળ્યો છે અથવા મળવા જઈ રહ્યો છે, તેના પ્રત્યે આવું જ કઇંક વલણ રાખશો તો ચોક્કસ 36માંથી 36 ગુણ વગર કુંડળી જોયા મળી જશે. તમને પણ આવો જ જીવનસાથી મળ્યો હશે અથવા મળશે, તેવી હ્રદયપુર્વકની મારી શુભેચ્છા.

લી. અંકિત એમ. પંડ્યા.

સમુદ્ર મંથન - રત્ન 52

No comments:

Post a Comment