આર્ટીકલ અને પોસ્ટ :-

Monday, 30 September 2013

20 out of 20: ટોપલીમાંથી નીકાળી ચિઠ્ઠી, વિષય હતો 'પ્રેમ'

17-01-2007 થી 19-01-2007, ગાંધીનગરનાં અરણ્ય ઉદ્યાન ખાતે, ગુજરાત યુનિવર્સિટીનાં એન-એસ-એસ વિભાગ દ્વારા 'વર્ષ 2007-08 શ્રેષ્ઠ વિદ્યાર્થી નેતા' યુવા પ્રતિભા ખોજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું.

ગુજરાતની જૂદી-જૂદી 33 કોલેજોનાં ચાળીશએક શ્રેષ્ઠ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો. ત્રણ દિવસની આ સ્પર્ધામાં 100 માર્ક્સ માટે જૂદી-જૂદી કેટલીય સ્પર્ધાઓ થાય, જેવી કે પોસ્ટર મેકિંગ, વક્તૃત્વ સ્પર્ધા, એન-એસ-એસની પરિક્ષા, ઓન ધ સ્પોટ હેટ સ્પિચ કૉમ્પિટીશન, ડ્રામા, નિબંધલેખન, એન-એસ-એસનાં બે વર્ષ દરમિયાન મેળવેલા પ્રમાણપત્રો, પ્રશ્નોત્તરી, પર્સનલ ઇન્ટરવ્યુ, ત્રણ દિવસ દરમિયાન તમારો દેખાવ, વર્તન.. આમ કરીને કૂલ 100 માર્ક્સમાંથી સૌથી વધું માર્ક્સ મેળવનારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં ત્રણ-ત્રણ વિદ્યાર્થી, એમ કૂલ છ વિદ્યાર્થીઓ પસંદ થાય.

વાત છે વર્ષ 2006ની, કોલેજમાં મારા પ્રમાણપત્રો પુરતા હોવાથી મે આ સ્પર્ધામાં જવા માટેની રજૂઆત કરેલી. પણ કોઈ કારણો સર તે વખતે મને આ સ્પર્ધામાં જવા મળેલું નહીં. વર્ષ 2007માં એચ.કે. કૉમર્સ કોલેજનાં એન-એસ-એસ વિભાગનાં ઇન્ચાર્જ, પ્રોફેસર શૈલેષ આર. ગઢવીએ મને આ સ્પર્ધામાં જવાની તક આપી. મારી પાસે પૂરતા પ્રમાણપત્રો હતા. સ્પર્ધામાં જવા માટે કોલેજનાં એન-એસ-એસ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓનાં જૂદા-જૂદા આઠ ચાર્ટ બનાવીને લઈ જવાના, 100માથી તેનાં 20 માર્ક્સ હોય. એ સમયે આગલી બે રાત સુધી જાગીને મેં આ પોસ્ટર્સ તૈયાર કર્યા.
મેં મારા પોસ્ટર માત્ર જાડા પૂંઠા પર ચાર્ટ પેપર ચોંટાડીને તૈયાર કરેલા, જ્યારે ઘણી કોલેજોનાં વિદ્યાર્થીઓ તો ફોટોફ્રેમમાં મઢાવીને લાવેલા. મારી હિંમત તો ત્યાંજ ડગમગી ગયેલી. લાગ્યું કે હવે આ સ્પર્ધામાં નંબર લાવવો ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં જીતીને જવાની એક ઈચ્છા હતી. વર્ષ 1983 પછી 2007આ પહેલી વખત બનવા જઈ રહ્યું હતું જ્યારે ગુજરાતની જૂદી-જૂદી 33 કોલેજોમાંથી એચ.કે.કોમર્સ.કોલેજના નામે ફરી એક વખત આ ખિતાબ જવાનો હતો. એક પછી એક એમ બધી સ્પર્ધાઓ શરૂ થવા લાગી. માર્ક્સની જાણ દરેકને છેલ્લાં દિવસે જ થાય. ત્રણ દિવસ દરમિયાન મારો દેખાવ કેવો હતો, એ તો હું પણ નહોતો જાણતો. આ દરેક સ્પર્ધામાંથી એક સ્પર્ધાની અહીં વિગતે વાત કહીંશ.

100માંથી 20 માર્ક્સ માટેની આ સ્પર્ધા હતી, 'ઓન ધ સ્પોટ હેટ સ્પિચ કૉમ્પિટીશન', એટલે કે એક ટોપી હોય, તેમા જૂદા-જૂદા વિષયોની ચિઠ્ઠીઓ હોય, કોઈ એક ચિઠ્ઠી ઉપાડવાની અને તેમાં જે વિષય નીકળે, તેની ઉપર બધા લોકો સામે પાંચ મિનિટ સતત બોલવાનું. જેટલું સહેલું છે એટલું જ અઘરું. કારણ કે અહીં માત્ર બોલીને માર્ક્સ નતા મળવાના, તેમાં તમારા હાવ-ભાવ, તમારી બૉડી લેંગ્વેજ, સ્રોતાઓનો તમારા વક્તવ્યમાં રસ, તમારા વિચારો, જ્ઞાન અને બોલવાની કલા આ દરેક પાસાઓને નોંધવા માટે ત્રણ નિષ્ણાંતોની ટીમ સામે બેઠી હોય.

મારો વારો આવ્યો એટલે મેં પણ બધાની જેમ ચિઠ્ઠી ઉપાડી. વિષય નીકળ્યો 'પ્રેમ'. બોલીને સંભળાવ્યો ત્યાંજ બધાના ચહેરા ખીલી ઉઠ્યા.. યુવા હૈયા અને એમાં પણ વિષય 'પ્રેમ'. મારા માટે વક્તવ્ય આપવું એટલા મટે સહેલું હતું કેમ કે કોલેજનાં બે વર્ષો દરમિયાન એક વિદ્વાન ગુરુ, એવા પ્રોફેસર સુમન દેસાઈનાં હાથ નીચે હું તૈયાર થયેલો. કોલેજમાં તો શરૂઆતની આવી બે સ્પર્ધાઓમાં સફળ ન થયેલો, પણ પ્રોફેસરને ખબર કે થોડી મહેનત જોઈએ છે, બસ. પ્રેમ વિષય ઉપર બોલવાની મે શરૂઆત કરી.

'પ્રેમ' એટલે 'લોહીની સગાઈ', (આ મારી શરૂઆત હતી.) પ્રેમ એટલે એ જ નહીં જે એક પ્રેમી તેની પ્રેમિકાને કરે, પ્રેમ એટલે એ જ નહીં, જે એક પતિ તેની પત્નીને કરે, પ્રેમ એટલે એક માતાને તેના દિકરા માટે જે હોય તે મમતા, પ્રેમ એટલે એક બહેનને તેના ભાઈ માટે હોય તો સ્નેહ, પ્રેમ એટલે એક પિતાને તેના પુત્ર-પુત્રી માટે હોય તે હેત. પ્રેમ એક ગુરુ-શિષ્ય વચ્ચે પણ હોય, પ્રાણી-મનુષ્ય વચ્ચે પણ હોય, બે મિત્રો વચ્ચે પણ હોય, મારા અને તમારા વચ્ચે પણ હોય. એ પ્રેમ એટલે લોહીની સગાઈ. આ વિષય પર સતત પાંચ મિનિટમે કેટલાક દાખલાઓ સાથે વક્તવ્ય આપ્યું.

હવે સમય હતો પરિણામોનો. વક્તૃત્વ સ્પર્ધાનાં વિષયો તૈયાર કરનાર અને ત્રણ નિષ્ણાત જ્યૂરીમાંથી એક, રામુભાઈ શાહ, વક્તૃત્વ સ્પર્ધાનાં પરિણામ જાહેર કરવા ઊભાં થાય છે. અને કહે છે, એક વિદ્યાર્થીએ મે લખેલા વિષય પર પરફેક્ટ દિશા પકડીને વક્તવ્ય આપ્યું. જ્યારે આપણે શાળામાં ભણતા ત્યારે ભણવામાં એક પાઠ આવતો, 'લોહીની સગાઈ' અને તેને ધ્યાનમાં લઈને મેં એક વિષય પસંદ કર્યો 'પ્રેમ'. મને હતું કે યુવાનો છે, પ્રેમ વિષય જોઈને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ અને કોલેજનાં પ્રેમ સંબંધો ઉપર ધારદાર બોલશે. પણ અહીં જે વિચારીને આ વિષય લખાયેલો. એ જ વિષય પર એવું જ વક્તવ્ય સાંભળવા મળ્યું. 20 માર્ક્સની આ સ્પર્ધામાં મને 20માંથી 20 માર્ક્સ મળેલા એ વાતની જાણ છેલ્લા દિવસે થઈ.

સમય હતો ત્રણેય દિવસની દરેક સ્પર્ધાનાં પરિણામો જાહેર કરવાનો. શહેર અને ગ્રામીણ બન્ને ઝોનનાં ત્રણ-ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થી નેતા જાહેર કરવાનો. વિરમગામ કોલેજનાં પ્રોફેસર અને આકાશવાણી રેડિઓ ઉપર તે સમયે યુવાવાણી હોસ્ટ કરતા અશ્વિનભાઈ આણદાણી, પરિણામોની જાહેરાત કરવા ઊભાં થયા. છાતીનાં ધબકારા વધી ચૂક્યા હતા. કોઈને પણ પરિણામોની જાણ નહોતી. શરૂઆત થઈ શહેરી અને ગ્રામીણ ઝોનનાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર 'વર્ષ 2007-08, એન.એસ.એસનાં શ્રેષ્ઠ વિદ્યાર્થી નેતા'ની. બન્ને નામ એનાઉન્સ થઈ ગયા. તાળીઓની ગડગડાટ શરૂ થઈ ચૂકેલી. ત્રીજામાં મારું નામ ન બોલાયું. પછી દ્વિતિય નંબરનાં બન્ને શ્રેષ્ઠ નેતાઓનાં નામની જાહેરાત થઈ. આ ચાર નામ સાંભળીને મે જીતવાની આશા ખોઈ દીધી. કેમ કે મને તો એવું જ લાગતું હતું કે કા દ્વિતિય કા તૃતિય નંબર આવી શકે. આટઆટલા ધુરંધર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે આવવાની કલ્પના પણ કોને હોય.

અશ્વિન ભાઈ આણદાણી સાહેબે છેલ્લાં અને સ્પર્ધાનાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનાં નામ જાહેર કરતા પહેલા ઓડિયન્સ એટલે કે બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કે બોલો કોણ હોઈ શકે શહેરી ઝોનમાંથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર? પહેલા તો બધા એકબીજાની સામે જોઈ રહ્યાં, હું તો નંબર ન મેળવી શકવાનાં કારણે કઈ બોલી શકુ એ સ્થિતિમાં જ ન હતો, અને ત્યાંજ બધાએ એક સૂરે એક નામ જોરથી સંભળવ્યું. અંકિત પંડ્યા. અને અશ્વિન આણદાણી સાહેબે તેનાં પર જાણે મહોર મારી દીધી હોય તેમ વર્ષ 2007-08નો ગુજરાત યુનિવર્સિટી, એન-એસ-એસ વિભાગના શ્રેષ્ઠ વિદ્યાર્થી નેતા તરીકે મારા નામની જાહેરાત કરી દીધી.

એ ક્ષણ આજે પણ હું નથી ભૂલી શક્યો. સાવ ઉદાસ થઈને બેસી ગયેલો, અને અચાનક જ્યારે જે સ્થાનની કલ્પના ન કરી હોય એ મળે, ત્યારે કેવો અનુભવ થાય તે શબ્દોમાં વ્યક્ત કરવો ખુબ મુશ્કેલ છે. નામ જાહેર થયાની બીજી મીનીટે મે સૌથી પહેલો ફોન જેમણે મને આ સ્પર્ધામાં આવવાની તક આપેલી, એચ.કે.કોમર્સ કોલેજનાં એ પ્રોફેસર શૈલેષ આર. ગઢવી સરને કરેલો. તેમને આ સમાચાર હું જાતે જ આપવા માંગતો હતો. મારી બે રાતની, સતત જાગીને પોસ્ટર તૈયાર કરવાની મહેનત રંગ લાવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં આપેલું વક્તવ્ય બોલી રહ્યું હતું. એ ક્ષણ ખરેખર મારા માટે અદભુત હતી.

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 51

No comments:

Post a Comment