આર્ટીકલ અને પોસ્ટ :-

Sunday, 23 February 2014

આલિયાનો 'હાઇ' 'વે'..

હાઇવે..

 કેટલાક(માત્ર મનોરંજન અને ગ્લેમરનાં દીવાના, ટિપિકલ યંગસ્ટર્સ)ને લાગશે બોરિંગ છે, હથોડો છે, તો કેટલાક(મોટા ભાગની ગર્લ્સ, સમાજનાં અનુભવી લોકો, ફિલ્મ સમીક્ષકો)ને લાગશે.. યાર આ તો સાચે સમાજની એક હકીકત કહીં ગઈ.. આલિયાએ ફાડૂં અભિનય કર્યો, બાકી હાઇક્લાસ. મહેશ ભટ્ટની સુપુત્રી આલિયા ભટ્ટ માને કે ન માને, ખાતરી પૂર્વક કહીં શકું કે આ ફિલ્મમાં આલિયાએ કોઈ 'વિરા' નામનાં પાત્રને નહીં, પણ પોતાને જ વ્યક્ત કરી છે. સાઝિદ નડિયાદવાલાનાં બેનર હેઠળ તૈયાર થયેલી, ઈમ્તિયાઝ અલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ, 'હાઈવે', એક યંગ ગર્લની ખુલ્લાં આકાશમાં ઉડવાની ઝંખના વ્યક્ત કરે છે.

 જેમ કે આજની દરેક ગર્લ એવું જીવન જીવવા માંગે છે કે તે સ્વતંત્ર રીતે ખુલ્લાં આકાશમાં પોતાની મરજી મુજબ ઉડી શકે, સમાજની રૂઢિવાદી પરંપરાઓથી પર, દુનિયાની ગલિયારીઓમાં પ્રકૃતિને માણી શકે. એક એવો હમસફર તેની સાથે હોય, જેની ઉપર તે આંખ બંધ કરીને ભરોસો કરી શકે, નશામાં જો તે પોતાનાં હોંશોહવાશ ખોઈ બેશે તો પણ આ વ્યક્તિ, કે જે મારી પાસે છે તેની સાથે હું સુરક્ષિત છું, તેવું અનુભવી શકે.

 'જો દીકરાં, બહારનાં લોકોથી ચેતિને રહેજે, છોકરીઓ માટે બહારની દુનિયા સારી નથી', એમ મોટાભાગની ગર્લ્સનાં મગજમાં તેનાં જ સગાવ્હાલાઓએ ઠૂસી-ઠૂસીને ખોસી દીધું હોય છે. પણ ઘણી વખત આ વિચારવા જેવું હોય છે કે બહારનાં લોકોથી તો ઠિક છે, ઘરનાં અંદરનાં લોકોથી બચીને રહેવું શું જરૂરી નથી? શું પોતાનાં જ લોકો પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય ખરો? વળી એ જ પાછો પ્રશ્ન, સમાજ શું કહેશે? સમાજ.. જો કોઈ ગર્લ સાથે ઘરની જ કોઈ વ્યક્તિએ કઈ ખોટું કર્યું હોય, દુષ્કર્મ જ કહીં દો, તો તેને સમજાવી દેવાય, કોઇને કહેંતી નહીં, સમાજ શું કહેશે?

 કદાચ આ ફિલ્મને જેટલી પુરુષો સમજી શકશે, તેનાથી કેટલાય ગણું વધું સારી રીતે મહિલાઓ સમજી શકશે. કેમ કે આ તેમનાં સ્વપ્નાઓનું આકાશ છે, જે આલિયા ભટ્ટે ખુલ્લું પાડીને બતાવ્યું છે. કેવી જબરદસ્તીથી અમુક કુટુંબ દ્વારા તેમનાં યંગ સંતાનો(ખાસ કરીને ગર્લ્સ)ને બાંધી દેવામાં આવે છે, 'તારે આવું જ કરવાનું', 'જો તું ન કરે તો તું પાગલ છે', 'તારામાં અક્કલ નથી', 'તું નાસમજ છે', એમ કહીંને તમારાં પર સમાજનાં કહેવાતાં અનુભવીઓ બંધનોનાં તાણાવાણાંમાં તમને એવાં તો બાંધી દે છે કે તમે તમારો રોષ, બળાપો, તમારાં અંદરની વ્યથા, તમે શું કહેવા માંગો છો, તમે શું ઈચ્છો છો, તેનું તમારાં જ પોતાનાં લોકો ખૂન કરી દેતા હોય તેવું લાગે છે.

 તે સમયે તમને એવું થાય છે કે આના કરતાં તો તે બહારની વ્યક્તિ સારી છે, જે બહારની છે, છતાં તે મારી સુરક્ષા અને મારી ઈચ્છાઓને સમજી શકે છે. આ ફિલ્મમાં, જો તમારી દ્રષ્ટિ અને અર્થ પકડી પાડવાની સમજ હશે તો તમને ઘણું હ્યુમર પણ મળી જશે અને ફિલ્મ બોરિંગ નહીં લાગે. ઘણી વખત એવું લાગે છે કે કોઇ ડિસ્કવરી ચેનલ જોઈ રહ્યાં હોઈએ. પણ વાસ્તવમાં 'હાઈવે'ને સમજવા માટે 'હાઈ' 'વે'ની જરૂર પડશે.

- લિં. અંકિત. એમ. પંડ્યા.

સમુદ્ર મંથન - રત્ન 63

No comments:

Post a Comment