આર્ટીકલ અને પોસ્ટ :-

Friday, 23 August 2013

સ્ત્રીને ખાલી 'Woman' જ નહીં, 'We-Man' પણ સમજવું જોઈએ

માતા'નાં, એટલે કે એક સ્ત્રીનાં ગર્ભમાંથી જન્મ લેતું એક સ્ત્રી સ્વરૂપ એટલે બાળકી, એ બાળકી પછી દીકરી થાય, દીકરી પછી બહેન થાય, બહેન પછી પત્ની, પત્ની પછી તે પણ એક માતા.. તો માતા થી લઈને માતા સુધીનાં આ 'સ્ત્રીચક્ર' વીશે ઘણાં બધા લેખકોએ, જ્ઞાની સાધુ-સંતોએ અને નિષ્ણાતોએ ઘણું બધું લખ્યું છે, જેમાં એક નજર કરી લઈએ સ્ત્રીઓ વીશે કહેવામાં આવતી કેટલીક જુનવાણી વાતો-કહેવતો ઉપર - 'મા તે મા, બાકી બધા વગડાનાં વા', 'લેડિઝ ફર્સ્ટ', 'દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે', 'સ્ત્રી ઇચ્છે તો બધું બનાવી શકે છે અને સ્ત્રી ઇચ્છે તો બધું બગાડી પણ શકે છે', 'સ્ત્રીઓને સજવા-ધજવામાં જ સમય જતો રહે છે', 'સ્ત્રીએ શક્તિનું સ્વરૂપ છે', 'નારી તું નારાયણી', 'દીકરી તો પારકી થાપણ કહેવાય' અને 'તોય પાછું લખવામાં આવ્યું છે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ' અને 'ભેગા થાય ચાર ચોટલા એટલે ભાંગે બીજાના ઓટલા'.

    ટુંકમાં સ્ત્રીઓ વીશે ક્યાંક સારું પણ લખાયું છે અને ક્યાંક ખરાબ પણ. આપણે અહીં સારું શું છે કે ખરાબ શું છે તેની ઉપર ચર્ચા નહીં કરીએ, પણ એક એવા પ્રશ્ન ઉપર ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ, જેનો જવાબ આપવામાં કેટકેટલાય જ્ઞાની-પંડિતોએ હથિયાર મુકી દીધા છે, આપણે એ હથિયારને ઉપાડવાનું પણ નથી અને મુકી પણ નથી રાખવાનું, પણ હાં, એ હથિયારને હશેયાર કહીંને સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરવાનો છે, અને એ પ્રશ્ન છે, 'શું સ્ત્રીઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા કોણ સમજે છે?' આટલા જટીલ પ્રશ્નનો સાવ સરળ જવાબઃ જી હાં, બધા જ, પણ જો દાનત સમજવાની હોય તો..

    ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે એક સારું જીવન જીવવું હોય તો સ્ત્રીઓને સમજવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો, અને એ જ લોકો પાછા એવું કહે છે કે મને મારી સ્ત્રી ક્યારેય સમજતી જ નથી, અરે ભાઈ તમારે એક તો સ્ત્રીને સમજવી નથી તો તમને તમારી સ્ત્રી સમજે એવી અપેક્ષા કેમ રાખો? છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતિય સ્ત્રીઓનું ધોરણ ઊંચું આવ્યું છે, પણ કેટલાક જૂનવાણી વિચારધારા ધરાવતાં લોકો હજું પણ આ વાત હજમ કરી શકતા નથી, અથવા એમ કહો કે 'સ્ત્રી સમોવડી' નામનું આ વ્યંજન તેમને ભાવતું નથી કા તો પચતું નથી. 'મોકા દેખ માર લાત' વિચારધારા ધરાવતાં આ લોકો, જ્યારે કોઈ સ્ત્રી વાહન ચલાવી રહીં હોય અને પુરુષ તેની બાજુંમાં કે પાછળ બેઠો હોય, તો એમ કહેશે કે સાવ બાયલો છે, ઘરવાડી ગાડી ચલાવે છે અને પોતે બેઠો છે, પણ તે સુક્ષ્મજીવીઓ એ નથી સમજી શકતા કે એ પુરુષ એટલા માટે બાજુમાં કે પાછળ બેઠો છે કેમ કે તેની સ્ત્રી ગાડી ચલાવી જાણે છે, અને તે પુરુષ તેની સ્ત્રી જોડે છે એટલે તે સ્ત્રીનો આત્મવિશ્વાસ પણ મજબૂત બન્યો છે અને એટલે જ તે પોતે પણ આ વાતને લઈને નિશ્ચિંત છે કે જ્યારે વિકટની અણીએ તેને કઇંક થશે તો ગાડી ચલાવનારું કોઈક તો સાજું-સારું હશે.

    રૂઢિચુસ્ત સમાજે નક્કી કરેલા કેટલાક રીવાજોનાં આજે છોતરાં કાઢી નાખીએ. એક પુરુષ જે ઘરે જન્મે છે, તે જ ઘરેથી અંતિમ વિદાય પણ લઈ શકે છે, પણ એક સ્ત્રી જે ઘરે જન્મે છે તે ઘરેથી માત્ર વિદાય લઈ શકે છે, પણ અંતિમ વિદાય તો તેની બીજા ઘરેથી જ થાય છે. 20-22 વર્ષ જે ઘર, જે માતા-પિતા, જે વાતાવરણ, જે ભાઈ-બહેન વચ્ચે તે ઉછરી, જીવી, મોટી થઈ, તેને છોડવું એટલે એક શહીદે દેશ માટે આપેલા બલીદાન બરાબર ગણીએ તો કશું જ ખોટું નથી. જો આવું હવે પુરુષો(મારા સહિત)ને કરવાનું કહ્યું હોય તો? પોતાનાં ઘરને મુકીને એક પારકા ઘરને પોતાનું બનાવવું, એ કઈ નાનીમાનાં ખેલ તો નથી જ, એ વાત તો સૌ કોઈ સમજતા જ હશે.

20-22 વર્ષ સુધી જે છોકરી પોતાનાં નામ પાછળ તેના પિતા(દરેક છોકરી માટે દુનિયાનો સર્વોત્તમ પુરુષ)નું નામ લગાડતી આવી હોય એ નામ હટાવીને એક એવી પારકી વ્યક્તિનું નામ જોડે છે, જેની સાથે તેનું ભવિષ્ય કેવું હશે તે પણ તેને ખબર નથી, આવું જો એક વખત પુરુષ(મારા સહિત)ને કરવાનું કહ્યું હોય તો? દુનિયાની દરેક વ્યક્તિને જન્મ આપે સ્ત્રી, પણ તે વ્યક્તિનાં નામ પાછળ લેબલ લાગે માત્ર પિતાનું? અહીં કેમ કોપીરાઇટના કે ટેગમાર્કના કાયદા લાગુ નથી પડતા? માતા-પિતા બન્નેનું નામ જોડવામાં શું કઈ વાંધો હોય? ધારો કે મારો કોઇ આવિષ્કાર કે સર્જન હોય તો હું મારો ટેગ લગાવી દઉ અને કોપીરાઇટની માંગણી કરું, સ્ત્રીઓએ ક્યારેય તેમનાં સર્જન માટે કોપીરાઇટની માંગણી કરી? કેટલાક લોકો એવો પણ પ્રશ્ન કરી શકે છે કે જો પુરુષ ન હોત તો સ્ત્રી બાળકને જન્મ કેવી રીતે આપી શકત, તેમના આ પ્રશ્ન સાથે આપણે સહમત છીએ અને એટલે જ બન્નેનાં નામ જોડવાની અહીં હિમાયત કરી અને કદાચ એટલે જ ભગવાને સ્ત્રી અને પુરુષ બન્નેને આ સમાજમાં જન્મ આપ્યો હશે.

    પ્રેમી-પ્રેમીકાનું ઉદાહરણ લઈને સ્ત્રીને સમજવાની વાત કરીએ, ઘણી વખત એવું બને છે કે નાની-નાની વાતોને લઈને કા તો પ્રેમી, કા તો પ્રેમીકા આપઘાત કરી લે છે. તેમનાં ઝઘડાંની શરૂઆત મોટે ભાગે કઇંક આ રીતે થતી હશે. તું મને કોલ કે મેસેજ કેમ નથી કરતી, તું ક્યાં ગઈ હતી, અત્યાર સુધી તું શું કરતી હતી, હું આખો દિવસ તને ફોન કરું, મેસેજ કરું, તું કેમ ન કરે? આ પ્રશ્નો તેમનાં કહેવાતા નિશ્વાર્થ પ્રેમનાં અંતની એક શરૂઆત છે. કદાચ આ પ્રશ્નોનાં જવાબ સ્ત્રીઓ પાસે કઇંક આવા હશે, હું ઘરનું કામ કરતી હતી, સવારે મમ્મીએ વહેલા ઉઠાડી, પાણી ભર્યું, ભાઈ અને પપ્પાને વહેલા ઓફિસે જવાનું હતું તેમના માટે રસોઈ બનાવતી હતી, પછી ઘરની સાફ-સફાઈ કરી, કચરાં-પોતા કર્યા, વાસણ-કપડાં ધોયા, પછી હું મારી ઑફિસે જવા તૈયાર થઈ, મોડું થઈ ગયેલું, બસ ન મળી તો મારા બોસ મારા પર બગડેલા, હું ઉદાસ થઈ ગયેલી, રડી પડી હતી એટલે રિપ્લાય ન કરી શકી. આ ઉદાહરણ એટલે આપવું પડ્યું કે એક છોકરાની દિનચર્યા અને એક છોકરીની દિનચર્યામાં કેટલો ફેર છે તે સમજવું જરૂરી છે. હવે આજ સ્થિતિ, અને એક વખત છોકરીની જગ્યાયે છોકરા(મારા સહિત)ને મુકી જોઈએ તો? તું શું કામ કરીને ઊંધી વળી જાય છે, તારે તો આ ઉઠીને ઑફિસે ઉપડી જવું છે, અહીં મારે સવારે પાણી ભરવાનું હોય, કચરા-પોતા આ તે, ઉલટામાં પેલો હરામખોર બોસ માર પર બગડે, મારો પિત્તો ન હલી જાય તો શું થાય? પ્રેમ કરવો એ કોઈ ગુન્હો નથી, પણ સમજદાર પ્રેમીઓને માત્ર આવો કોઈ ઈશારો કાફી હોય છે.

    ફેસબુક, ટ્વિટર અને ગુગલ પ્લસ જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર જોવા મળતા એક ટ્રેન્ડની વાત કરીએ. બોયઝની પોસ્ટ પર કેટલી કમેન્ટ્સ આવે અને ગર્લ્સની પોસ્ટ પર કેટલી કમેન્ટ્સ આવે, એ વાત તો આપણે સૌ જાણીએ છીએ, પણ જ્યારે તે પોસ્ટમાં રિપ્લાય કમેન્ટ આપવાનો વારો આવે, ત્યારે બોયઝ બોયઝ મેન્શન કરીને લખશે, નાઈસ વન બ્રો(બ્રધરનું શૉર્ટ ફૉર્મ, ખરેખરમાં બ્રધર હોય તો ઠીક છે), થેંક્યું બ્રો, કેટલાક સમજદાર પણ હોય છે અને તેઓ ડ્યૂડ, બડી અને ડિયર લખીને બચી જાય છે, પણ ક્યારેય એવું જોયું કે ગર્લ્સની પોસ્ટ પર લખ્યું હોય નાઇસ વન સિસ. (સિસ્ટરનું કેટલી વખત શૉટફૉર્મ જોવા મળ્યું?, સિસ્ટર પણ સોશિયલ વેબસાઇટ પર જોવા મળે તો?) થેંક્યું સિસ. નહીં જોવા મળે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જો કોઈ છોકરો(અમુકને બાદ કરતા) 4 છોકરીઓ જોડે એક સાથે ચેટ કરે તો એ રાસલીલા, અને છોકરી કરે તો કેરેક્ટર ઢીલા? ઘણાંને આ વાત હજમ નહીં થાય અને એ ઘણા તો મને માફ જ કરજો આને માટે, કેમ કે અહીં પણ સમજ-સમજની વાત છે.

    તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે છોકરીઓ એ વાહનોનું અભિન્ન સ્પીડ બુસ્ટર છે. હવે તમે કહેશો આ વળી શું નવું લાવ્યો? જુઓ, હવે પછી ક્યારેક તમે વાહન લઈને રસ્તેથી નીકળો ત્યારે નોટીસ કરજો, જેવી છોકરીઓની એક્ટિવા કે સ્કૂટી નજીક આવે, આજબાજુનાં વાહનોની સ્પીડ ઓટોમેટિક વધી જશે, જી હાં, એટલે કે ફૂલ સ્પિડે બાઇક ચલાવીને ઇમ્પ્રેશન જમાવવાની વાત. જાણે કોઈ ખોવાયેલ વ્યક્તિને શોધી રહ્યાં હોય એમ એક-એક એક્ટિવા અને સ્કુટી પર નજર કરતા-કરતા જશે. પણ જો આગળ તેની માતા-કે-બહેનની એક્ટિવા જતી હોય અને કોઈ બીજો આવું કરતો દેખાઈ જાય તો બોસ માનીલો કે તે દુનિયાનો સૌથી જવાબદાર વ્યક્તિ બની જશે. આવી માનસિક્તા પણ એક આતંકવાદી જ કહેવાય, ખુંખાર આતંકવાદી કરતા પણ ખતરનાક, એક ચેપી રોગ, માણસ જેવું જોવે એવું શીખે. અવી જ રીતે કોઈ સ્ત્રી વાહન લઈને જતી હોય અને તેનાથી સિગ્નલ સમજવામાં સહેજ આડુઅવડું થઈ ગયું તો, તેની સામું જોઈને સરખી ચલાવવા કે વાહનને ઘરે મુકી દેવાની બુમો પાડશે.. હવે જો એ જ ગાડી તેની જ માતા-બહેન ચલાવી રહીં હોત અને કોઈ બીજાએ આવી બુમો પાડી હોત તો?

    તો સ્ત્રીઓને સમજવાના આ જટીલ પ્રશ્નનો સરળ જવાબ લાવવા માટે ન તો આપણે રીતિ-રિવાજો બદલવાના છે, કે ન સમાજ, કે ન પરંપરાઓ, કે ન ટ્રેન્ડ, ન પ્રેમ કરવાનો અંદાજ, કે નથી વાહનોને ધીમા પાડવાની જરૂર, જરૂર છે તો બસ અહીં એક સાવ-સીધી સરળ સંકુચિત માનસિક્તાને બદલવાની, ક્યાંક જતું કરવાની, ક્યાંક હશેયાર કરીને હથિયાર મુકી દેવાની. અને છેલ્લે-છેલ્લે એક છેલ્લું ઉદાહરણ આપીને આ વાતનો સાર કહેવાનો પ્રયત્ન કરીશ, એક ગાડું રસ્તાની વચ્ચે મુકો અને તેની એક બાજું નાનું ટાયર મુકો અને બીજી બીજું મોટું ટાયર મુકો, અને પછી એ ગાડું ચલાવો, ગાડું ત્યાંને ત્યાં ગોળ-ગોળ ફર્યા કરશે અને ક્યારેય આગળ નહીં વધે, પણ જો એ જ ગાડાંના બન્ને પૈડા એક સરખા રાખશો, તો ગાડું ચોક્કસ આગળ વધશે. આજે સ્ત્રીઓને સમાનતા તો મળી ગઈ છે પણ સમજનારાઓની હજું પણ  ઘણી મોટી અછત છે. આ વિષય પર તમારા અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે, અને આવી જ કોઈ વાત તમારાં મનમાં હોય જે તમે કહેવા માંગો છો, તો ચોક્કસ અહીં ફિડબેક આપી શકો છો.

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 48

No comments:

Post a Comment