આર્ટીકલ અને પોસ્ટ :-

Sunday, 30 July 2017

શા માટે જોવી જોઇએ ગુજરાતી ફિલ્મ, 'વિટામિન She'?

શા માટે જોવી જોઇએ ગુજરાતી ફિલ્મ, 'વિટામિન She'?

 રાતના 2 વાગ્યા છે, સવારે વહેલા ઉઠવાનું છે, અને થોડી વાર પહેલા જ આ ફિલ્મ જોઇને આવ્યા છીએ, તેમ છતાં તેના વિશે લખવા બેઠો છું. કેટલીય ફિલ્મ્સ જોઇ છે અને એમાંથી ભાગ્યે જ કોઈક ફિલ્મ વિશે મે મારા વિચારો અથવા રિવ્યૂ લખ્યા છે. એમાની આ એક ફિલ્મ છે જેના વિશે લખવું જ જોઇએ એમ વિચારીને લખવા બેઠો છું. ફિલ્મ કેવી છે તેના પર મારો અભિપ્રાય લખું તે પહેલા તેના વિશે થોડું જાણવું જરૂરી છે.

શું છે ફિલ્મમાંઃ
 ના તો જર્નાલિસ્ટ તરીકે કે ન તો સોશિયલ મીડિયા હેડ તરીકે, ન તો એચ.કે. કૉમર્સ કોલેજના કે ના તો સૌમ્ય જોશીના સ્ટૂડન્ટ તરીકે. આ રિવ્યૂ લખવા બેઠો છું એક નિષ્પક્ષ દર્શક તરીકે. આ ફિલ્મ જોતા પહેલા પેટ પકડીને હસવાની તૈયારી રાખજો, પ્રેમ કોને કહેવાય તે સમજવા કોરી પાટી લઇને બેસવાની તૈયારી રાખજો, જિંદગીમાં મિત્રોનું મહત્વ શું હોય તે સમજવાની તૈયારી રાખજો, દાંપત્ય જીવન કેવું હોય તે જાણવાની તૈયારી રાખજો. પહેલાં પ્રેમ પછી ઝધડો અને ઝઘડા પછીનો પ્રેમ કેવો હોય તે જોવાની તૈયારી રાખજો.

ફિલ્મમાં જે ગમી જાય તેવુંઃ
- મિત્ર 'મનિયો' એટલે કે 'બકો' એટલે કે મૌલિક નાયકની એક્ટિંગ/ડાયલોગ
- મિત્ર 'વડીલ' એટલે કે 'કિશોરકાકા' એટલે કે સ્મિત પંડ્યાની એક્ટિંગ/ડાયલોગ
- મિત્ર 'એડમિન' એટલે કે પ્રેમ ગઢવીની એક્ટિંગ અને વૉટ્સએપના ટપકાં
- 'જીગર-શ્રૃતિ'ની લવસ્ટોરી એટલે કે ધ્વનિત અને ભક્તિની એક્ટિંગ
- અભિજિતે ભજવેલું એક નાનકડું પાત્ર 'બાબુ'

દિલને સ્પર્શી જાય તેવો મૂવિ સિનઃ
 અભિજિતે ભજવેલું એક નાનકડું પાત્ર 'બાબુ', જે 5:10 એ સ્કૂલ છૂટવાની હોય ત્યારે હાથમાં 'STOP'નું પાટિયું લઈને રોડ વચ્ચે ઊભો રહી જાય અને બાળકો રસ્તો ક્રોસ ન કરી રહે ત્યાં સુધી ટ્રાફિકને રોકી રાખે. આ દ્રશ્ય ફિલ્મની શરૂઆતમાં પણ જોવા મળશે અને ફિલ્મના અંતે પણ. ત્યારે લાગે કે અહી ખરેખર તમને તમારો પ્રેમ મળી ગયો છે.





કોણ-કોણ છે સ્ટાર કાસ્ટમાંઃ
 રેડ એફ એમનો 'બકો' એટલે કે મૌલિક જગદીશ નાયક, 'કિશોર કાકા' એટલે કે સ્મિત પંડ્યા અને સૌમ્ય જોશીના હાથ નીચે તૈયાર થયેલા એચ.કે કોલેજના મારા પ્રિય ભાઇ પ્રેમ ગઢવી, જેમના નાટક '102 નોટઆઉટ' પરથી અત્યારે અમિતાભ બચ્ચન અને રીશિ કપૂર સ્ટારર બૉલિવૂડ ફિલ્મ બની રહી છે જેમાં પ્રેમ ગઢવીનો રોલ રીશિ કપૂર ભજવી રહ્યાં છે. ફિલ્મનો મુખ્ય નાયક 'જીગર' એટલે ફેમસ રેડિઓ જોકી ધ્વનિત ઠાકર, જેમના વિશે મારે કઇંજ કહેવાની જરૂર નથી કેમ કે ભાગ્યે જ કોઇક હશે, જે આ વ્યક્તિને નહીં ઓળખતું હોય. ફિલ્મની મુખ્ય નાયિકા 'શ્રૃતિ', એટલે કે ભક્તિ કૂબાવત મુંબઈની ફેમસ એક્ટ્રેસ, મોડેલ અને એંકર છે, જેમણે 'લપેટ', 'બસ એક ચાન્સ' જેવી ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આખી ફિલ્મને પ્રમોટ કરતી આર.જે અદિતિ રાવલને હેટ્સઓફ. ટુંકમાં આ ફિલ્મનાં મોટા ભાગના લિડ કલાકાર રેડિઓ સાથે જોડાયેલા છે.

 આ સિવાય ફિલ્મમાં કુરુષ ડેબૂ, જેઓ બૉલિવૂડ ફિલ્મ 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ'માં 'રાણીતો પપ્પાની' ડાયલોગથી ફેમસ છે, ફિલ્મ ડાયરેક્ટર આશિષ કક્કડ પણ અદ્દભૂત રોલ ભજવતા જોવા મળશે. આ તમામને એક જગ્યાએ ભેગા કરવાનું અને આખી ફિલ્મ પ્રોડ્યૂશ કરવાનું કામ સંજય રાવલે કર્યું છે, જેઓ ફેમસ મોટિવેશનલ રાઇટર અને સ્પિકર છે અને તેમના મોટિવેશનલ વીડિયો કે સ્પિચ તમે ક્યાંકને ક્યાંક જોયા હશે અથવા સાંભળ્યા હશે. ફૈસલ હાશ્મિ આ ફિલ્મના ડિરેક્ટર છે.

ફિલ્મનો રિવ્યૂઃ
 ફિલ્મના ટાઇટલ પરથી તો સમજાઇ જ ગયું હશે કે તેની વાર્તા એક સ્ત્રી કેવી હોય, કોઇ છોકરી ગમી જાય અને તેની સાથે પ્રેમ થઈ જાય અને પછી શું થાય તેના પર જ લખાઈ હશે. પણ.. પણ.. પણ.. માત્ર આટલું જ નથી, આ ફિલ્મ તમને કે મને એ પણ સમજાવે છે કે મારી-તમારી જિંદગીમાં મિત્રોનું કેટલું મહત્વ છે. ફ્રેન્ડશિપ ડે નજીક આવી રહ્યો છે માટે અત્યારે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. તમારા જીગર-જાન દોસ્તો તમારા માટે શું કરી શકે છે, તે આ ફિલ્મ તમને દેખાડશે. જ્યારે તમે પ્રેમમાં હોવ અને તમારા મિત્રો તમને સાચી સલાહ આપતા હોય કે તમને ખુશ જોઇને ખુશ થતા હોય, તમને દુઃખી જોઇને દુઃખી થતા હોય અને તમે તેમની ગમ્મે તેવો ખરાબ વ્યવહાર કરો, મુશ્કેલીની છેલ્લી ઘડીએ જ્યારે પ તમે હારી ગયા હોવ, તમારી સાથે કોઇ ન હોય ત્યારે તમારો ફ્રેન્ડ તમારી માટે શું કરી શકે છે એ તમને આ ફિલ્મમાં જોવા મળશે.

 ફિલ્મના મુખ્ય નાયક, જીગર(ધ્વનિત)નો ફ્રેન્ડ 'મનિયો' એટલે કે 'બકો' એટલે કે મૌલિક જગદિશ નાયક તમને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દેશે. 'લખી રાખજે જીગા'. બીજો ફ્રેન્ડ 'વડીલ' એટલે કે 'કિશોર કાકા' એટલે કે સ્મિત પંડ્યા, પોતાનાં ડાયલોગથી તમને તાળિયો પાડવા મજબૂર કરી દેશે. ત્રિજો ફ્રેન્ડ એડમીન એટલે કે પ્રેમ ગઢવી, વચ્ચે-વચ્ચે વૉટ્સએપના ટપકા મૂકીને તમને ખડખડાટ હસાવશે. આ તમામ વચ્ચે 'જીગર' અને 'શ્રૃતિ'ની પ્રેમ કહાણી આગળ વધતી જોવા મળશે. જો કોલેજ લાઇફમાં તમને કોઈ છોકરી સાથે પ્રેમ થયો હોય તો આ ફિલ્મ તમને પોતાના ઉપર ફિલ્માવાયેલી લાગશે અને તેની વાર્તા તમને તમારી પોતાની લાગશે. એટલે કે આ ફિલ્મમાં એવી કોઈ મોટી ફિલોશોફીની વાતો નથી મુકાઈ કે કલ્પનાઓનાં ઘોડા નથી દોડાવામાં આવ્યા. વાસ્તવિક જિંદગીમાં બનતા પ્રેમ પ્રસંગોને ટાંકવામાં આવ્યા છે, જે મારા-તમારા જેવા કોઈ દર્શકને જકડી રાખે છે.

આ ફિલ્મ અમદાવાદીઓને ખાસ એટ્રેક્ટ કરશે કેમ કે આ ફિલ્મનાં મોટા ભાગનાં દ્રશ્યો અમદાવાદમાં શૂટ થયેલા છે અને તેના મોટા ભાગના કલાકાર પણ અમદાવાદી છે. ફિલ્મનું મ્યૂઝિક મેહુલ સુરતીએ આપ્યું છે જે ખરેખર સાંભળવું ગમે તેવું છે. ફિલ્મના ડાયલોગ અને લિરિક્સ પણ સાંભળવા ગમે તેવા છે માટે ફિલ્મમાં ક્યાંય પણ કંટાડો નહી આવે. ફિલ્મમાં હજું પણ વધારે પ્રોફેશનલ ટચની જરૂર હતી પણ જે રીતે ફિલ્મ તૈયાર થઈ છે તે કાબિલેતારીફ છે. વાર્તા, મૌલિક નાયક, સ્મિત પંડ્યા, પ્રેમ ગઢવી અને 'જીગર-શ્રૃતિ'ની કેમિસ્ટ્રી આ ફિલ્મને સુપરહિટ બનાવે છે. ફેમિલી સાથે જોઇ શકાય તેવી ફિલ્મ છે.

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 70

No comments:

Post a Comment