સામાન્ય મનુષ્યથી લઈને દેશ પર શાસન કરતી સરકાર સુધી, જ્યારે તેમને કોઈ
જવાબદારી ભર્યો પ્રશ્ન પૂછવાંમાં આવે અને તેઓ પોતાની જવાબદારીમાંથી છટકવા
માંગે કે પછી કોઈ જવાબ આપી શકવામાં સક્ષમ ન હોય ત્યારે તેમનાં મોઢે અંતિમ
શબ્દો લગભગ આવા જ હોય છે, "અમારે 'ઉપર' જવાબ આપવો પડે છે". મને ઘણી વખત એવો
પ્રશ્ન થાય અને કદાચ તમને પણ થતો હશે કે આ બધાની 'ઉપર' કોણ હશે? જે
છેલ્લો નિર્ણય લેતો હશે..? જેમ કે, પોલીસ વાળાને એમ પૂછો કે શા માટે તમે
આવું નથી કરતા? તો તેઓ કહેશે, "અમારે 'ઉપર' જવાબ આપવો પડે છે", આ 'ઉપરવાળો'
છે કોણ? એ પ્રશ્ન ખરેખર અઘરો છે, અને સાવ સહેલો પણ.
સામાન્ય રીતે
જોઈએ તો આપણે ઘણાં લોકોને એવું બોલતા સાંભળ્યા છે કે ''ઉપરવાળો જાણે'',
એનો અર્થ એમ થયો કે ઉપરવાળો એટલે કે ભગવાનની વાત કરી રહ્યાં છે અને તેઓ કોઈ
પણ નિર્ણય સાચો અને સારો લેવામાં સક્ષમ છે જ, પણ હકીકતની દુનિયામાં શું
મારા કે તમારા પ્રશ્નોનાં જવાબ આપવા, ભગવાન સાક્ષાત હાજર થવાના છે ખરાં?
લગભગ નહીં.. ભગવાન પ્રત્યે આ કોઈ નાસ્તિકપણું કે અનાસ્થાની વાત નથી, પણ
ખરેખરમાં એવું નથી બનતું. પોલીસ વાળાની 'ઉપર' કોણ? તો કદાચ વકીલો અને
મંત્રીઓનું ચાલતું હશે, તેમની ઉપર કદાચ ઉચ્ચ સરકારનું ચાલતું હશે, એમને
જવાબ આપવા પડતા હશે. તો પછી વકીલ, જજ અને ઉચ્ચ સરકારની 'ઉપર' કોણ? કોઈ એક
વ્યક્તિ? કોઈ સંસ્થા? કોઈ એક વિભાગ? કે સુપ્રીમ કોર્ટ?
મારે કે
તમારે સાચો અને સારો જવાબ જોઈએ તો કોની પાસે જવાનું? ઉપરવાળા પાસે? ઘણાં
લોકો એવું કહેતા હોય છે, "મારી પહોંચ બહું 'ઉપર' સુધી છે".. ખાસ કરીને
ટ્રાફિક પોલીસ કોઈ વાહન ચાલકને પકડે ત્યારે, એમાં પણ ખાસ પૈસાવાળો વર્ગ.
અલા મારા ભઈ, આ 'ઉપર'વાળો છે કોણ? ચાલો મેઇન ટૉપિકના જવાબ તરફ જઈએ. ઘણી વખત
ટીવી પ્રોગ્રામ્સ, ખાસ કરીને રિઆલિટી શોમાં આપણે જોયું છે કે એક જ્યૂરી
હોય, અને જ્યૂરીની ઉપર પણ એક મોટી જ્યૂરી હોય, જેને 'જનતા' જનાર્દન
કહેવામાં આવે છે. જનતાનો નિર્ણય અંતિમ નિર્ણય આવું સાંભળ્યું તો નથી, પણ
તેમને સ્થાન ચોક્કસ આપવામા આવે છે. હવે કદાચ મારે જે કહેવું છે તે 50% તમને
સમજાઈ ગયું હશે.
'આપણો ભારત દેશ પ્રજાસત્તાક દેશ છે',
સાંભળી-સાંભળીને કાન પાકી ગયા હશે, પણ ખરેખરમાં પ્રજાનો નિર્ણય પૂછવામાં
આવ્યો? અને પૂછવામાં આવ્યો તો માનવામાં આવ્યો? થોડાં વર્ષો પહેલાં એક
મોબાઇલ સર્વિસ આપતી સેલ્યુલર કંપનીએ એવું કેમ્પેન ચલાવેલું, જેમાં દરેક
વ્યક્તિને મેસેજ કરીને જવાબ પૂછવામાં આવતો હતો. પણ અચાનક તે કેમ્પેન ક્યાં
ખોવાઈ ગયું? તેની કોઈને પણ જાણ નથી. હવે ઘણાં લોકો એવું કહેવા લાગ્યા છે કે
'મીડિયા' સૌથી ઉપર છે, મીડિયા જે ધારે તે કરાવી શકે છે? ખરેખરમાં એવું નથી
હોતું. મીડિયા કોઈ પણ વાતને એવી જ રીતે પ્રસ્તુત કરે છે, જેવી રીતે કરવી
જોઈએ. જો મીડિયા કોઈ બાબતને મરીમસાલા ભભરાવી, ટેસ્ટી બનાવીને પ્રસ્તુત ન
કરે, તો તેની તરફ કોઈની ગંભીરતા નથી જોવા મળતી. જો કોઈ ઘટનાને જે છે તેવા જ
સ્વરૂપે, એટલે કે સાદી-સિમ્પલ રીતે પ્રસ્તુત કરી દેવામાં આવે, તો લોકો
એવું કહેશે, 'આમાં વળી શું નવું છે? આવું તો રોજ થાય છે, આવું તો થયા કરે
હવે'. લોકો તે ઘટના સાથે 'અન્યાય' કરે છે, કેમ કે તે ઘટના તેમની સાથે નથી
બની હોતી. જો તે ઘટના તેમની સાથે બની હોત, તો તેમને તે ઘટનાની ગંભીરતા
સમજાઈ ગઈ હોત, તે ગંભીરતા સમજાવા માટે જ મીડિયા કદાચ તે રસ્તો અપનાવતું
હશે.
ભગવાને ભગવદ ગીતામાં કહ્યું હતું તેમ, 'યદા યદા હી ધર્મસ્ય
ગ્લાનિઃ ભવતિ ભારત। અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ। ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે
યગે।।". તમે આ વાતને મારી અતિશયોક્તિ માની શકો છો કે ભગવાનના દશમા અવતાર
ને હું 'મીડિયાવતાર' માનું છું. જો મીડિયા ન હોત તો? ઘણાં લોકોને મે મીડિયા
ઉપર 'ભડાસ' કાઢતા જોયા છે, સાંભળ્યા છે. જે મીડિયા સંસ્થાઓ(નામ ન
લેવાય)નાં 'અમુક પત્રકારો', (જે પત્રકારત્વનાં ખરા સિદ્ધાંતો પર નથી ચાલતા
તે), કોઈ જાણીતી વ્યક્તિનાં મૃત્યુ પર, કોઈ દુર્ઘટના પર, કે કોઈ
હ્રદયદ્રાવક, કરુણ ઘટના પર પહેલા એક્સપ્રેશન ખુશ થયા હોય તેવા આપતા હોય છે
કે 'હાઇસ, મજા આવી ગઈ આવતી કાલનો મસાલો મળી ગયો..' તેવા લોકોને જો બાદ
કરવામાં આવે તો, બાકી બધી મીડિયા સંસ્થાઓ આમ જનતા અને સરકાર માટે
આશીર્વાદરૂપ જ છે. તો શું આ 'ઉપર'વાળો મીડિયાને બનાવી દેવું? બીલકુલ નહીં..
ડિસેમ્બર-2012માં દિલ્હી ખાતે 'નિર્ભયા' પર થયેલા ગેંગરેપમાં જોવા મળેલો
જનાક્રોશ અને હવે 'ગુડિયા' પર થયેલા દુષ્કર્મ વખતના જનાક્રોશને જોઈને, ઘણાં
લોકો એવું કહેતા સાંભળવા મળ્યા છે કે પહેલા જેવો જનાક્રોશ આ વખતે જોવા નથી
મળ્યો.. શા માટે? અધિકારીઓ હજુ સુધી 'ઉપર'વાળાને જવાબ જ આપી રહ્યાં છે. (આ
'ઉપર'વાળો છે કોણ?) તેમને ત્યાં બેસાડ્યા કોણે? જનાક્રોશ ઘટવા ઉપર કેટલાક
લોકો વળી એમ કહે છે કે આ વખતે જે ઘટના બની તે એક પ્રકારની વિકૃતિ હતી, જેથી
કરીને જનાક્રોશ ન દેખાયો? ખરેખરમાં આવું છે ખરું? મારું તો એવું માનવું છે
કે કેટલાક લોકો, જે પહેલાના જનાક્રોશમાં જોડાયેલા, તે આ વખતે જો ન જોવા
મળ્યા હોય તો તેનું કારણ એક જ છે, 'નહીં મળેલો ન્યાય'. હજું સુધી પહેલા
કેસનો ન્યાય નથી મળ્યો તો બીજાનો ન્યાય તો આ લોકો ક્યાથી લાવવાનાં? એમને પણ
'ઉપર' જવાબ આપવો પડે ને? નિર્દોષ પ્રજાએ જનાક્રોશ બતાવીને ખાલી ડંડા
ખાવાનાં? અને ગુન્હેગારોએ જેલમાં બેઠાં-બેઠાં આરામ? હસીખુશી ભર્યા જીવનમાં
અવરોધ લાવવાનો? એક મનુષ્ય તરીકે આપણી ફરજમાં આવે છે કે કોઈના ન્યાય માટે
લડીએ, પણ આ લડત કોની સામે? ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે. તો શું ચૂપ થઈને
બેસી રહેવાનું? બીલકુલ નહીં..
તો હવે જો આ 'ઉપર'વાળો (ભગવાન છે,
પણ સાક્ષાત નથી) સરકાર નથી, મીડિયા નથી, કે કોઈ જાણકાર લોકો પણ નથી, તો ભઈ આ
'ઉપર'વાળો છે કોણ, જેને જવાબ આપવો પડે? જવાબ તમારી પાસેથી જાણવાની
અપેક્ષા..
(નાના મોઢે મોટી વાત, ભૂલચૂક થાય તો માફ કરી દેવો.. અંકિત એમ. પંડ્યા)
લિ. અંકિત એમ. પંડ્યા
સમુદ્ર મંથન - રત્ન 42

No comments:
Post a Comment