આર્ટીકલ અને પોસ્ટ :-

Thursday, 31 January 2013

મૂળ ભાવનગરનો અંકિત મહેતા - આવું તો ગુજરાતમાં જ બને હો

Copyright: Ankit Pandya. મૂળ ભાવનગરનો અંકિત મહેતા, જે અત્યારે અમદાવાદમાં રહીને ઝુંપડપટ્ટી વિસ્તારનાં બાળકો માટે એક ઉમદા કાર્ય કરી રહ્યો છે. ગરીબ અને આર્થિક રીતે લાચાર બાળકોને શિક્ષા, રમતગમત, કલા અને તેના જેવા અન્ય કેટલાક એવા કાર્યો જે ભાગ્યેજ કોઈ વ્યક્તિએ આ લોકો માટે હાથ ધર્યા હોય. આ વાત કહેતા એક ગુજરાતી ગીત ચોક્કસ યાદ આવી રહ્યું છે...

"આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન, હાલોને આપણાં મલકમાં.."

હાઇલાઇટ્સઃ-
- ઝૂંપડપટ્ટી વિસ્તારનાં બાળકોને પોતાના ખર્ચે ભણાવીને એક ઉમદા કાર્યની શરૂઆત
- પોતાના LLBના અભ્યાસની સાથે-સાથે સમાજ પરત્વે તેની જવાબદારી
- બાળકોને ડ્રોઇંગ (ચિત્રકામ), ટેલેન્ટ હન્ટ, ગાયન, ડાન્સ, વેગેરે જેવી પ્રવૃત્તિઓની પણ શિક્ષા
- અંકિત પોતાનો દર રવિવાર આ બાળકો સાથે પસાર કરે છે
- બે ટંકનો રોટલો પણ નશીબ ન થતો હોય ત્યાં શિક્ષણ મળવાની તો આશા જ ક્યાંની?
- બાળકોને અમદાવાદની મોંઘી હોટલોમાં જમવા પણ લઈ જાય છે
- "વકિલાતનો અભ્યાસ પૂરો કર્યા પછી હું મારો પહેલો કેશ ગરીબ જન માટે લડીશ"


હાલ અંકિત અમદાવાદમાં પોતાના એલએલબી (LLB)ના અભ્યાસની સાથે-સાથે અહીની ઝુંપડપટ્ટી વિસ્તારનાં બાળકોને ભણાવવાનું કામ કરી રહ્યો છે. ન કોઈ એનજીઓ, ન કોઈ સરકારી સંસ્થા, બસ પોતાનાં મનમાં આવેલા એક વિચારને આકાર આપવા અંકિત પહોંચી ગયો ઝૂંપડપટ્ટી વિસ્તારનાં આ બાળકોનું ભાવિ ઘડવા.

અભ્યાસની સાથો-સાથ અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો અંકિત, પોતાના પગારનો અમુક ભાગ આ ઝુંપડપટ્ટી વિસ્તારનાં બાળકો પાછળ ખર્ચ કરે છે. તે આ બાળકોને ડ્રોઇંગ (ચિત્રકામ), ટેલેન્ટ હન્ટ, ગાયન, ડાન્સ, વેગેરે જેવી પ્રવૃત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારનુ મુલ્ય લીધા વિના શિક્ષા આપવાનુ એક ઉમદા કાર્ય પણ કરી રહ્યો છે.

મારી સાથે થયેલી વાતચીતમાં અંકિતે જણાવ્યુ, "મકાન જો પાયાથી જ નબળું હોય તો માનવું જોઈએ કે તે પડી ભાંગશે. બસ એ જ પ્રમાણે બાળક દેશનું ભાવિ છે, એટલે જો તેનું ભાવિ જ નબળું હશે તો દેશનો વિકાસ શેનો મજબૂત? બાળપણથી જ આ બાળકોને બે ટંકનો રોટલો પણ નશીબ ના થતો હોય ત્યાં શિક્ષણ મળવાની તો આશા જ ક્યાંની."

અંકિત પોતાના અભ્યાસની સાથોસાથ પોતાનો દર રવિવાર આ બાળકો સાથે પસાર કરે છે. તેમને ભણાવે છે, રમાડે છે, અવનવી એવી અનેક  ટેલેન્ટ્સમાં નિપૂણ કરે છે, જે શહેરનાં હાઇપ્રોફાઇલ બાળકોને પણ શિખતા આંખે પાણી આવી જાય. આ બાળકોને અંકિત અમદાવાદની મોંઘી-મોઘી હોટલોમાં જમવા પણ લઈ જાય છે.

જે બાળકોએ રોટલા અને વાટેલું લસણ સીવાય કઈ જોયુ નથી તે બાળકોને અંકિત મોંઘીદાટ હોટલમાં લઈ જઈ, પિત્ઝા, પંજાબી, છોલે ભટુરે, શબ્જી રોટી, છાસ, આઈસ્ક્રિમ, અને અન્ય ઘણી બધી વાનગીઓ પોતાના ખર્ચે જમાડે છે. હાલમાં જ તે અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલ સીટીલેકમાં જમવા માટે લઇ ગયો હતો.

અને ત્યાં તેણે આ ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભરપેટ ભોજન જમાડવાનું પ્રશંસનિય કાર્ય કર્યું હતું. અંકિતની આ માનવતા મહેકાવતી પહેલ અને આ ગુણીજન સાથેની લાગણીને જોઇને એકવખત ઉત્સાહિત થયેલા હોટલનાં મેનેજર પંકજ પટેલે, ઑનર તરફથી આ બાળકોને કોઈ પણ પ્રકારનાં ચાર્જ  વગર જમાડ્યાં હતાં.

આટલું જ નહી, અંકિતે આ દિવાળીનાં શરૂઆતનાં દિવસો મંદબુદ્ધીનાં અને ઝુંપડપટ્ટીનાં બાળકો સાથે પસાર કરીને તેમની સાથે દિવાળીની ઉજવણી કરી. તેણે આ બાળકોને ફટાકડા અને મિઠાઈનું પણ વિતરણ કર્યુ. ખાધેપીધે સુખી પરિવારમાંથી બિલોંગ કરતો અંકિત, રસ્તા ઉપર રખડતાં અને છત્રછાયા વગરનાં આ બાળકોની સાથે રહેવામાં જરા પણ ક્ષોભ અનુભવ્યા વગર મસ્તી અને આનંદથી પોતાનો સમય પસાર કરે છે.

રસ્તા ઉપર ફરતાં બાળકોને તેણે પોતાના જ ખર્ચે ફટાકડાનું વિતરણ કર્યુ હતુ, તે કોઈ પણ વ્યક્તિ કે એનજીઓ પાસેથી પૈસા કે તેના જેવી આર્થિક મદદ લેવામાં માનતો નથી કે ન તો એનજીઓ કે ટ્રસ્ટ ખોલવામાં. અત્યારે અંકિત દર રવિવારે પકવાન હોટલની સામે પોતાનાં 'જીવનપ્રતાપ' પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવી રહ્યો છે. વિનામુલ્યે હાલ આ પ્રોજેક્ટમાં 15 વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં આવી રહી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળકોને પ્રવાસમાં પણ લઇ જવામાં આવે છે અને સાંજે  પરત ફર્યા બાદ હોટલમાં જમાડવામાં પણ આવે છે.

અંકિતની સાથે તેના કેટલાક મિત્રો, જોલી, ભાવિશા, વિનોદ અને અનિલ પણ આ ભગીરથ કાર્યમાં મદદ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ મિત્રો કે અંકિતે પોતાનું જ એક નાના પાયાનું ગ્રુપ શરૂ કર્યુ છે, જેને 'કેસરીનંદન' નામ આપવામાં આવ્યુ છે. આ ગ્રૂપ ટૂંક સમયમાં અન્ય બે પ્રોજેક્ટ 'આશા' અને 'અપેક્ષા'ને અમદાવાદનાં અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરશે.

ફેસબુકમાં પણ મિત્રોપ્રિય અંકિત મહેતાનાં આ કાર્યને જોઇને તેના અન્ય મિત્રોએ પણ તેની સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે જ્યારે સ્પર્ધાત્મક યૂગમાં ડિગ્રી મેળવવા પડાપડી કરતા યુવાનોને ઉંચુ જોવાના સમયની પણ અછત લાગે, ત્યારે અંકિત કેવી રીતે આ બધા માટે સમય ફાળવતો હશે?  સાચે જ, આને એક આઇડલ કહેવાય.

પોતાના અભ્યાસમાં પણ હોંશિયાર અંકિત કહે છે કે વકિલાતનો અભ્યાસ પૂરો કર્યા પછી હુ મારો પહેલો કેશ ગરીબ લોકો માટે લડીશ. અને ત્યાર પછી આ લોકોને ન્યાય અપાવા માટે કોઇ પણ જાતનાં મૂલ્યની અપેક્ષા વગર તેમના માટે લડતો રહીશ. અંકિતનું આ કાર્ય ખરેખર આજના યુવાનોને પ્રેરણા અને ગૌરવ અપાવે એવુ છે. આશા રાખું કે તેનું આ ભગીરથ કાર્ય અન્ય ઘણાં લોકો માટે પ્રોત્સાહન પરૂં પાડશે.

લિ. અંકિત એમ. પંડ્યા

સમુદ્ર મંથન - રત્ન 36

No comments:

Post a Comment